નવી દિલ્હી : ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા માટેની હિન્ટ આપી દીધી છે. 16 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. લોકસભાની ચૂંટણી સાતથી આઠ તબક્કામાં યોજાઈ શકે છે. ચૂંટણી પંચ શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024 ની તારીખોની જાહેરાત કરશે. આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. આ વિધાનસભા ચૂંટણીઓ ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં યોજાશે.
ADVERTISEMENT
સાતથી આઠ તબક્કામાં આયોજીત થશે ચૂંટણી
ચૂંટણી પંચના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણી સાતથી આઠ તબક્કામાં યોજાઈ શકે છે. અગાઉ ગુરુવારે નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક બાદ આજે તેમણે ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શુક્રવારે સવારે બંને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુનું સ્વાગત કર્યું. બંનેએ ચાર્જ સંભાળ્યા બાદ આજે લગભગ 11 વાગ્યાની આસપાસ ચૂંટણી પંચની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન, બંને ચૂંટણી કમિશનરોએ ચૂંટણી કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવા પર CEC સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.
ગત વખતે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી
2019માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. ગત વખતે ચૂંટણી પંચે 10 માર્ચે તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. તે ચૂંટણી સમયે દેશમાં 91 કરોડથી વધુ મતદારો હતા, જેમાંથી 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું.
2019 માં શું પરિણામો આવ્યા
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014ની સરખામણીમાં મોટી જીત હાંસલ કરી હતી. 2014માં ભાજપે 282 સીટો જીતી હતી. જ્યારે 2019માં 303 સીટો પર જીત મેળવી હતી. જ્યારે NDAને 353 બેઠકો મળી હતી. બીજેપીને 37.7% થી વધુ વોટ મળ્યા હતા, જ્યારે NDA ને 45% વોટ મળ્યા હતા. કોંગ્રેસ માત્ર 52 સીટો જીતી શકી હતી.
ADVERTISEMENT