Liquor Ban In Ayodhya: એક તરફ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ યોગી સરકારે આ વિસ્તારમાં દારૂના વેચાણને લઈને મોટું પગલું ભર્યું છે. યુપી સરકારે અયોધ્યાના 84 કોસી પરિક્રમા ક્ષેત્રમાં દારૂ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે આ વિસ્તારમાં ન તો દારૂનું વેચાણ થશે અને ન તો કોઈ દારૂ ખરીદી શકશે. આ વિસ્તારમાં આવેલી દારૂની દુકાનો હવે અન્ય જગ્યાએ શિફ્ટ થશે.
ADVERTISEMENT
દારૂના વેચાણ પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશના આબકારી વિભાગના મંત્રી નીતિન અગ્રવાલે ગુરુવારે કહ્યું કે, અયોધ્યામાં 84 કોસી પરિક્રમા યોજાવા જઈ રહી છે, તેથી પરિક્રમાના દાયરામાં આવતા વિસ્તારોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, શ્રી રામ મંદિરના વિસ્તારમાં દારૂબંધી પહેલાથી જ લાગુ છે અને હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિક્રમા વિસ્તારમાં આવેલી 84 દારૂની દુકાનોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે.
બેઠક બાદ લેવાયો નિર્ણય
શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને આબકારી વિભાગના મંત્રી નીતિન અગ્રવાલ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દારૂબંધી સહિતના અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પછી મંત્રીએ શ્રી રામ મંદિર વિસ્તારમાંથી દારૂની દુકાનો હટાવવાનો નિર્ણય લીધો છે.
22 જાન્યુઆરીએ યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યમાં આવતા વર્ષે 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યા નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મંત્રીઓ, દેશ-વિદેશથી મહેમાનો અને સાધુ-સંતો હાજરી આપશે.
ADVERTISEMENT