Army Chief : ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ તરીકે નિમણૂકની જાહેરાત કરાઈ છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી જેઓ હાલમાં ડેપ્યુટી આર્મી ચીફ તરીકે સેવા આપી રહ્યા છે, તેઓ 30 જૂન, 2024 ના રોજ તેમનો નવો પદભાર સંભાળશે અને જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે, જેઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આર્મીના વાઇસ ચીફનો ચાર્જ સંભાળતા પહેલા તેઓ 2022 થી 2024 સુધી ઉધમપુર સ્થિત ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (GOC-in-C) હતા.
ADVERTISEMENT
સતત ઓપરેશનોની યોજના અને અમલીકરણ માટે જાણિતા
મધ્ય પ્રદેશના રીવા ખાતેની સૈનિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીને 1984માં 18 જમ્મુ અને કાશ્મીર (J&K) રાઈફલ્સમાં કમિશન અપાયું હતું. ત્યારબાદ તેમણે આ યુનિટની કમાન સંભાળી. જનરલ ઓફિસર પાસે ઉત્તરીય અને પશ્ચિમી બંને થિયેટરોમાં સંતુલિત અનુભવ રાખવાનું અનોખું ગૌરવ પ્રાપ્ત છે. ઉત્તરી આર્મી કમાન્ડર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ જમ્મુ અને કાશ્મીરમાં ગતિશીલ આતંકવાદ વિરોધી કામગીરી કરવા ઉપરાંત ઉત્તરીય અને પશ્ચિમી સરહદો પર સતત અભિયાનોની યોજના બનાવવા અને તેના અમલીકરણ માટે વ્યૂહાત્મક માર્ગદર્શન અને ઓપરેશનલ દેખરેખ પ્રદાન કર્યું હતું.
સરહદ વિવાદના ઉકેલ માટે મહત્વની ભૂમિકા ભજવી
વિવાદિત સરહદી મુદ્દાના ઉકેલ માટે ચીન સાથે ચાલી રહેલી વાતચીતમાં તેઓ સક્રિય રીતે સામેલ હતા. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીને યુ.એસ. આર્મી વોર કોલેજ, કાર્લિસલ, યુએસએમાં નેશનલ ડિફેન્સ કોલેજના સમકક્ષ કોર્સમાં 'વિશિષ્ટ ફેલો'થી નવાજવામાં આવ્યા હતા. તેમણે ડિફેન્સ અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમ.ફિલ ઉપરાંત સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને મિલિટરી સાયન્સમાં બે માસ્ટર ડિગ્રી છે.
તમને જણાવી દઈએ કે, જનરલ મનોજ પાંડેને 30 એપ્રિલ 2022ના રોજ આર્મી ચીફ બનાવવામાં આવ્યા હતા. તેઓ 31 મે 2024ના રોજ નિવૃત્ત થવાના હતા. પરંતુ 26 મે 2024 ના રોજ કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા તેમને સેવામાં એક મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું. હવે જનરલ પાંડે 30 જૂન 2024 સુધી ફરજ બજાવશે.
ADVERTISEMENT