Hanging Pillar Temple: ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે તો ખોટું નથી, કારણ કે અહીંયા એટલા મંદિરો આવેલા છે કે તમે ગણતા-ગણતા થાકી જશો. ભારતમાં એવા અનેક મંદિરો છે, જે તેની ભવ્યતા અને અનોખી માન્યતાઓ માટે જાણીતા છે. આવું જ એક અનોખું મંદિર આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિરની સૌથી ખાસ અને રહસ્યમય વાત એ કે આ મંદિરના સ્તંભ હવામાં લટકાયેલા છે, પરંતુ તેના રહસ્ય વિશે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.
ADVERTISEMENT
હૈંગિંગ પિલર ટેમ્પલના નામે પણ ઓળખાય છે મંદિર
આ મદિરનું નામ છે લેપાક્ષી મંદિર. જેને ‘હૈંગિંગ પિલર ટેમ્પલ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં કુલ 70 સ્તંભ છે. જેમાંથી એકપણ સ્તંભ જમીન સાથે જોડાયેલ નથી. તે રહસ્યમયી રીતે હવામાં લટકેલા છે. લેપાક્ષી મંદિરના અનોખા સ્તંભ આકાશ સ્તંભના નામે પણ ઓળખાય છે. આમાં એક સ્તંભ જમીનથી લગભગ અડધો ઈંચ ઉપર છે.
આમ કરવાથી આવે છે સુખ-સમૃદ્ધિ
એવી માન્યતા છે કે, સ્તંભની નીચેથી કંઈક કાઢવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આના કારણે ત્યાં દર્શને આવતા લોકો સ્તંભની નીચેથી કપડું કાઢે છે. કહેવામાં આવે છે કે, મંદિરના સ્તંભ પહેલા જમીન સાથે જોડાયેલા હતા, પરંતુ એક બ્રિટિશ એન્જિનિયરે એ જાણવા માટે કે મંદિર પિલર પર કેવી રીતે ટકેલુ છે, મંદિરને હલાવી દીધું, બસ ત્યારથી જ સ્તંભ હવામાં લટકેલા છે.
મંદિરમાં છે ભગવાન શિવનું ક્રૂર રૂપ
આ મંદિરમાં ઈષ્ટદેવ ભગવાન શિવનું ક્રૂર રૂપ વીરભદ્ર છે. વીરભદ્ર મહારાજ દક્ષના યજ્ઞ બાદ અસ્તિત્વમાં આવ્યા હતા. આ સાથે ત્યાં ભગવાન શિવના અન્ય રૂપ અર્ધનારેશ્વર, કંકાલ મૂર્તિ, દક્ષિણમૂર્તિ અને ત્રિપુરાતકેશ્વર પણ હાજર છે. અહીં બિરાજમાન માતાને ભદ્રકાલી કહેવામાં આવે છે.
16મી સદીમાં કરાવ્યું હતું નિર્માણ
કુર્માસેલમની પહાડીઓ પર બનેલું આ મંદિર કાચબાના આકારમાં બનેલું છે. કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ વિરૂપન્ના અને વિરન્ના નામના બે ભાઈઓએ 16મી સદીમાં કરાવ્યું હતું. જેઓ વિજયનગરના રાજાની સાથે કામ કરતા હતા. જો કે, પૌરાણિક માન્યતાઓ છે કે આ મંદિરને ઋષિ અગસ્ત્યએ બનાવડાવ્યું હતું.
રામાયણમાં પણ છે ઉલ્લેખ
માન્યાતાઓ અનુસાર, આ મંદિરનો ઉલ્લેખ રામાયણમાં પણ મળે છે અને એ જગ્યા છે, જ્યા જટાયુ રાવણ સાથે યુદ્ધ કર્યા બાદ જખ્મી થઈને નીચે પડ્યો હતો અને રામને રાવણનું સરનામું આપ્યું હતું. મંદિરમાં એક મોટા પગનું નિશાન પણ છે. જેને ત્રેતા યુગનો સાક્ષી માનવામાં આવે છે. ઘણા તેને ભગવાન રામના પગનું નિશાન માને છે, તો કોઈ માતા સીતાના પગનું નિશાન માને છે.
ADVERTISEMENT