Lal Krishna Advani Health Update: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીની તબિયત નાદુરસ્ત થતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમને AIIMSના જેરિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સની નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. વાસ્તવમાં, 96 વર્ષીય લાલ કૃષ્ણ અડવાણી ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેથી થોડા-થોડા દિવસે ઘરે જ તેમનું ચેકઅપ કરવામાં આવે છે. બુધવારે મોડી સાંજે તેમની તબિયત લથડતા તેઓને તાત્કાલિક એઈમ્સમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોઓ તેમની સારવાર કરી. હાલ તેમની તબિયત સારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
જે.પી નડ્ડાએ એઈમ્સના ડાયરેક્ટર સાથે કરી વાતચીત
આજે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી નડ્ડાએ એઈમ્સના ડાયરેક્ટર એમ શ્રીનિવાસ સાથે ફોન પર વાત કરી અને લાલકૃષ્ણ અડવાણીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. તેમણે લાલ કૃષ્ણ અડવાણીના પુત્ર જયંત અને દીકરી પ્રતિભા સાથે પણ ફોન પર વાત કરી.
ભારત રત્નથી કરાયા હતા સન્માનિત
તમને જણાવી દઈએ કે, આ વર્ષે 30 માર્ચે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા, તેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 30 માર્ચે તેમના નિવાસસ્થાને જઈને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને લાલ કૃષ્ણ અડવાણીના પરિવારના સભ્યોએ ઔપચારિક સમારોહમાં હાજરી આપી હતી.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ માટે અપાયું હતું આમંત્રણ
લાલ કૃષ્ણ અડવાણીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, તેઓ આ દરમિયાન હાજર રહ્યા નહોતા. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારે ઠંડીના કારણે અયોધ્યા ન જવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT