નવી દિલ્હી: મહારાષ્ટ્ર બીજેપી નેતા કિરીટ સોમૈયાનો એક કથિત સેક્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે બાદ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેઓ વિપક્ષી દળોના પ્રહારો હેઠળ આવ્યા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે કિરીટ સોમૈયા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ત્યારે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને શરદ પવારના નજીકના અનિલ દેશમુખે કહ્યું કે વાયરલ વીડિયોની ગૃહ વિભાગ દ્વારા તપાસ થવી જોઈએ. વીડિયોમાંથી સત્ય બહાર આવવું જોઈએ. બીજી તરફ શિવસેનાના ઉદ્ધવ જૂથે આ મામલો વિધાન પરિષદમાં ઉઠાવવાની વાત કરી છે. ત્યારે કિરીટ સોમૈયાના રાજકીય કરિયર પર નજર કરવામાં આવે તો વર્ષ 1975થી રાજકારણમાં શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કિરીટ સોમૈયાએ 1975માં વિદ્યાર્થી કાર્યકર્તા ચળવળ દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. સોમૈયાએ જયપ્રકાશ નારાયણ આંદોલનમાં ભાગ લીધો હતો અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. તેઓ 1991માં મુલુંડમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા જ્યાં તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં મહત્વપૂર્ણ કાયદાઓ રજૂ કર્યા હતા. બાદમાં તેઓ 1999માં મુંબઈ-ઈશાનમાંથી સંસદમાં સેવા આપવા માટે ચૂંટાયા હતા.
કિરીટ સોમૈયા મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. વર્ષ 1995-1999 સુધી તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય હતા. વર્ષ 1999-2004માં માટે તેઓ 13મી લોકસભામાં ચૂંટાયા હતા. મે 2014માં તેઓ 16મી લોકસભામાં ચૂંટાયા હતા. મુંબઈની છ બેઠકોમાં મુંબઈ ઉત્તર-પૂર્વ લોકસભાની બેઠક જ એક એવી બેઠક છે કે જ્યાં વર્તમાન સાંસદને ફરી ટિકિટ આપવામાં આવી નથી. કિરીટ સોમૈયાએ 2014માં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સંજય દિના પાટીલને હરાવ્યા હતા. તેઓ સૌથી વધુ સક્રિય સાંસદ રહ્યા છે તથા મહારાષ્ટ્ર સદન અને આદર્શ કૌભાંડને ઉજાગર કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
2019ની ચૂંટણીમાં ટિકિટ કાપવામાં આવી
મુંબઈ ઉત્તર-પૂર્વ બેઠક પર ભાજપના કિરીટ સોમૈયા 2014ની ચૂંટણીમાં બીજી વખત સાંસદ બન્યા હતા. પરંતુ વર્ષ 2019માં તેમની ટિકિટ કાપીને ભાજપે કૉર્પોરેટર મનોજ કોટકને ઉમેદવાર બનાવ્યા છે. કિરીટ સોમૈયાની ટિકિટ કાપીને મનોજ કોટકને ટિકિટ આપવા પાછળ શિનસેના કારણભૂત હોવાનું મનાઈ રહ્યું હતું. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કિરીટ સોમૈયાને આ બેઠક પર સૌથી વધુ મત મળ્યા હતા. જોકે, 2014 બાદ ભાજપ અને શિવસેનાના ગઠબંધનમાં તિરાડ પડી. વર્ષ 2017માં બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી વખતે કિરીટ સોમૈયાએ ઉદ્ધવ ઠાકરે પર વાકપ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT