ખેડબ્રહ્મા બેઠક પર મોટો ખેલ પડી ગયોઃ 2000 કાર્યકરો કોંગ્રેસના હાથમાંથી સરકી ગયા અને ભાજપે ઝીલી લીધા

સાબરકાંઠાઃ હાલ ભાજપ, કોંગ્રેસ, આપ એક બીજાના નેતા-કાર્યકરોને તોડવા અને પોતાનાઓને બચાવવામાં લાગ્યા છે. ચૂંટણી પહેલા ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે મતદારોને…

gujarattak
follow google news

સાબરકાંઠાઃ હાલ ભાજપ, કોંગ્રેસ, આપ એક બીજાના નેતા-કાર્યકરોને તોડવા અને પોતાનાઓને બચાવવામાં લાગ્યા છે. ચૂંટણી પહેલા ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે મતદારોને પોતાની તરફ આકર્ષવા કે કાર્યકરો-નેતાઓની આપ-લેમાં ધ્યાન આપવું? તે યક્ષ પ્રશ્ન બની ગયો છે. ભાજપ સતત બંને પાર્ટીઓના નેતાઓને તોડવામાં સફળ બની રહી છે. ભાજપનું જાણે વિપક્ષીકરણ થવા લાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ખેડબ્રહ્મામાં તો કોંગ્રેસના હાથમાંથી એકાદ બે નહીં પરંતુ 2000 જેટલા કાર્યકરો સરકી ગયા છે. ભાજપે આ તમામને પોતાના પક્ષમાં સમાવી લીધા છે. કોંગ્રેસ માટે આ પણ એક મોટો ફટકો સાબિત થાય તેમ છે.

મેદની ભેગી કરતાં આંટા આવે એટલા માથા હાથમાંથી ગયા
એક કાર્યકર્તા કેટલા મતોમાં ફેરફાર કરી શકે છે તે નેતાઓ સારી રીતે જાણે છે. ચૂંટણી દરમિયાન મતદારો સાથે સીધું કનેક્શન ધરાવતા કાર્યકર્તાઓ તે પછી કોઈ પણ પક્ષના હોય તેઓ મતદારોના મન અને મત અંગેની બધી જ જાણકારી ધરાવતા હોય છે. જોકે હવે સાબરકાંઠા કોંગ્રેસ માટે આવી કોઈપણ નુસખાઓ કામ આવે તેમ નથી કારણ કે ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. 2000 કોંગ્રેસના કાર્યકરો એક સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ટોપી પહેરી આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે તમામને વિધિવત ભાજપમાં જોડ્યા છે. પૂર્વ કોંગ્રેસ શહેર પ્રમુખ રામજી મહરાજ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અહીં સુધી કે તાજેતરમાં જ આઠ જેટલા ખેડબ્રહ્મા પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર પણ ભાજપમાં જતા રહ્યા છે. માટે કહી શકાય કે આ બેઠક પર કોંગ્રેસ માટે હવે કેટલા કપરા ચઢાણો છે તેનો અંદાજ માત્ર લગાવી શકાય તેમ છે. કારણ કે જ્યાં કદાવર નેતાઓને બાદ કરતાં અન્ય કોઈપણ પક્ષના હોય, નેતાઓને સભામાં આટલી સંખ્યા કરવામાં આંટા આવી જતા હોય છે, ત્યાં આટલી મોટી સંખ્યામાં કાર્યકરો હાથમાંથી જતા રહ્યા છે.
(વીથ ઈનપુટઃ હસમુખ પટેલ, સાબરકાંઠા)

    follow whatsapp