નવી દિલ્હી: સીબીઆઈ દ્વારા દિલ્હીના કથિત દારૂ કૌભાંડ મામલે સીએમ કેજરીવાલની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. કેજરીવાલની સીબીઆઈની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂની નીતિ સાથે જોડાયેલા 56 પ્રશ્નો પૂછ્યા હતા.
ADVERTISEMENT
મરી જઈશું પરંતુ ઈમાનદારી નહીં છોડીએ: કેજરીવાલ
સીબીઆઈ ઓફિસમાંથી બહાર નીકળ્યા બાદ સીએમ કેજરીવાલે કહ્યું કે, તેમણે તમામ સવાલોના જવાબ આપ્યા. સમગ્ર કથિત દારૂનું કૌભાંડ ખોટું અને ગંદુ રાજકારણ છે. કેજરીવાલે કહ્યું કે અમે મરી જઈશું, મટી જઈશું, પરંતુ અમે ઈમાનદારી છોડીશું નહીં. આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે.
તેમણે કહ્યું કે, જે સારું કામ દિલ્હીમાં થઈ રહ્યું છે અને હવે પંજાબમાં પણ સારું કામ થવા લાગ્યું છે. આના કારણે આ લોકો ડરી ગયા છે, અમે અમારું કામ ચાલુ રાખીશું. સીબીઆઈએ મને 56 પ્રશ્નો પૂછ્યા છે. 2020 થી અત્યાર સુધી વાત કરી, એક્સાઇઝ પોલિસી પર સંપૂર્ણ વાત કરી, મેં તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. આ સમગ્ર મામલો ખોટો છે, તેમાં ક્યાંય સત્ય નથી.
સીબીઆઈ પાસે એક પણ પુરાવો નથી
સીબીઆઈ પાસે એક પણ પુરાવો નથી કે જે સાબિત કરે કે કૌભાંડ થયું છે. બીજી તરફ, દિલ્હી વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવવા સામે એલજી દ્વારા વાંધો ઉઠાવવાના પ્રશ્ન પર મુખ્યમંત્રીએ કહ્યું કે એલજી સાહેબે કાયદો અને બંધારણ થોડું વાંચવું જોઈએ, જો તેમને કોઈ જાણકારી ન હોય તો કાયદાના જાણકાર રાખી લે. તે કેવી રીતે વિરોધ કરી શકે?
કાર્યકરોની ધરપકડ પર બોલ્યા દિલ્હીના સીએમ
સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું સીબીઆઈએ ફરીથી ફોન કર્યો છે, તો તેમણે કહ્યું કે, સીબીઆઈએ આવું કંઈ કહ્યું નથી. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડ અંગે કહ્યું કે AAPના લોકો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, તેમની ધરપકડ કરવી ખોટી છે. દરેકને શાંતિપૂર્વક વિરોધ કરવાનો અધિકાર છે.
ADVERTISEMENT