ભાર્ગવી જોશી/ જુનાગઢઃ ગુજરાત રાજ્યમાં અત્યારે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સાથે અત્યારે ભાજપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. તેવામાં નોંધનીય છે કે ગુજરાતની ચૂંટણીમાં 182 બેઠકો જીતી લેવાના સી.આર.પાટીલના સપનાંને સાકાર કરવા માટે ભાજપે સૌરાષ્ટ્રમાં ડેમેજ કન્ટ્રોલ કરવો પડે તેમ છે. ખાસ કરીને જૂનાગઢની પાંચે પાંચ બેઠકો ભાજપને જીતવી મુશ્કિલ છે, જેના માટે જિલ્લા પ્રમુખથી લઇ તમામ નેતાઓએ કમર કસી લીધી છે.
ADVERTISEMENT
જૂનાગઢની બેઠક કે જે ભાજપ પાસે 1990થી સતત છ ટર્મથી હતી તેમાં કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી દીધું છે. તેવામાં મહેન્દ્ર મશરુના હારના કારણો શું હતા એના પર નજર કરીએ…
ચૂંટણીમાં 25 વર્ષ ધારાસભ્ય રહેલા હોવા છતાં મહેન્દ્ર મશરું પ્રજાલક્ષી વિકાસના કામો કરવામાં તદ્દન નિષ્ફળ રહ્યા હતા. આમ છતાં પ્રજા તેના પર વિશ્વાસ ધરાવતી હતી તેથી જ શહેરી મતો તેમને વધુ મળ્યા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારના મતો ભીખાભાઈ જોશીને વધુ મળ્યા હતા. ભાજપમાં અંદર જે લડત ચાલી રહી હતી તેનું તથા નેતા બનવાની રેસમાં મહેન્દ્ર મશરુંને પછાડનારાની સંખ્યા વધારે જોવા મળી હોવાની સીધી અસર ચૂંટણીમાં જોવા મળી હતી. નોંધનીય છે કે જેને હરાવવા અશક્ય હતા એવા મશરુંને અંતે ભીખાભાઈએ માત્ર 6 હજાર મતોથી હરાવીને જીત મેળવી હતી.
હવે 2022માં કોણ કોણ છે દાવેદાર!!
અત્યારે ભાજપમાં દાવેદારોની સંખ્યા એટલી વધારે છે કે કોને ટિકિટ મળશે અને કોને નહીં એ જોવાનો વિષય બની રહેશે. તેવામાં જુનાગઢ શહેરના રાજકારણને મુઠ્ઠીમાં લઇ ફરતા અને આઠ આઠ ટર્મથી ડેપ્યુટી મેયર બની રહેલા ગિરીશ કોટેચા આ રેસમાં સૌથી આગળ છે. તેવામા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, નેશનલ સહકારી બેંક ચેરમેન કોટેચા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને નોબેલ એજ્યુકેશનના નિલેશ ધુલેશિયાં અને બ્રહ્મસમાજના આગેવાન કે ડી પંડ્યા, જૂનાગઢમાં સરોવર પોર્ટિકોના માલિક સંજય કોરડીયા, બીજેપી મહામંત્રી પુનિત શર્મા સૌ કોઈ ટિકિટ માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તો બીજી બાજુ મહેન્દ્ર મશરું પણ ફરી એક વખત ચુંટણીમાં ઝંપલાવવા તૈયાર છે.
કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની લડાઈથી શું AAPને થશે ફાયદો?
જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂને જો ટિકિટ આપવામાં આવે તો ફરી એ બીજેપીને જીત અપાવી શકે છે. અત્યારે ત્યાંના સ્થાનિકો વિકાસના કાર્યો, ટ્રાફિક, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓથી ત્રાસીને આક્રોશમાં છે. તેથી જ હવે ભાજપની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
અત્યારે હવે મહેન્દ્ર મશરુ ભાજપના તારણહાર બની શકે છે. જ્યારે કોંગ્રેસમાંથી ભીખાભાઈ જોશીનો પડકાર સૌથી વધારે રહેશે. નોંધનીય છે કે ભીખાભાઈનું ગ્રામ્ય અને શહેરમાં પ્રભુત્વ જોરદાર રહ્યું છે. પરંતુ આ દરમિયાન તેમની ઉંમર 70 વર્ષની હોવાથી કોંગ્રેસ આ સમયે યુવા ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે. તેવામાં કોંગ્રેસ તરફથી યુવા ચહેરા તરીકે અમિત પટેલનું નામ સૌથી મોખરે રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં સક્ષમ ઉમેદવાર બનવા માટે અમિત પટેલ પ્રાથમિક પસંદ હોઈ શકે છે.
આમ આદમી પાર્ટીના દાવેદારથી લઈ તેની રણનીતિ વિશે જાણો!
આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. તેવામાં હવે AAPના ઉમેદવાર પણ નસીબ અજમાવશે અને જે રીતે જૂનાગઢમાં પ્રજા ભાજપ અને કોંગ્રેસથી પરેશાન છે એને જોતા AAP માટે જીતવાની રાહ મુશ્કેલ નથી. આથી જ ભાજપ યુવા પ્રમુખનું પદ છોડી આપમાં જોડાયેલા ચેતન ગજેરા અને તેની ટીમ છેલ્લા બે વર્ષથી મહેનત કરી રહી છે. એટલુ જ નહીં AAPમાં અતુલ શેખડા, કલ્પના પુરોહિતના નામો વધારે ચર્ચામાં છે. જોકે ચેતન ગજેરા અત્યારે આ રેસમાં સૌથી અગ્રેસર છે.
છેવટે આ ટિકિટનું ગણિત કેવી રીતે ઉકેલાશે…
જૂનાગઢની બેઠક એ કોઈ જ્ઞાતિ આધારિત નહિ પણ વ્યક્તિ આધારિત હોય છે. જોકે ગત ટર્મમાં ગ્રામજનોએ ભીખાભાઈ જોશીની તરફેણમાં મત આપી કોંગ્રેસને વિજયી બનાવી હતી. અહીં સવર્ણ જ્ઞાતિનો ઉમેદવાર તથા સારી છબી હોય એવો ઉમેદવાર જ જીતને યોગ્ય બને છે. આ તમામ પરિબળો મતદાન પર અસર કરે છે. અહીં જો કોઈપણ દાવેદાર નારાજ હોય તો એની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડે છે. જે સ્પષ્ટપણે ભાજપના હાર પરથી સાબિત થઈ ગયું હતું. તેવામાં હવે ભાજપ શક્તિ પ્રદર્શન કરશે તો પણ તેના માટે આ બેઠક જીતી લેવી સરળ રહેશે નહીં.
ADVERTISEMENT