ધનેશ પરમાર/બનાસકાંઠા: વિધાનસભા ચૂંટણી બાદ લાંબા સમયથી પોતાના મતવિસ્તારથી દૂર પ્રવાસમાં રહેલા કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જિલ્લામાં લાઇવલીહૂડ એન્ડ વોટરસેડ યોજનામાં 65 લાખના કૌભાંડનો ચોંકાવનારો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે. જીગ્નેશ મેવાણી એ પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેર કર્યું હતું કે, જિલ્લાના 170 ખેડૂતોનાં નામે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેના પૂરતા પુરાવા મારી પાસે છે, તેવો ઘટસ્ફોટ પણ તેમણે કર્યો હતો.
ADVERTISEMENT
170 ખેડૂતોના નામ પર કૌભાંડ
જીગ્નેશ મેવાણી એ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે, અમીરગઢ અને દાંતા તેમજ કપાસિયા તથા વિરમપુરમાં બનાસકાંઠા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ કૌભાંડ આચરાયું છે. જીગ્નેશનો દાવો છે કે તેમણે સ્થળ તપાસ કરી હતી અને તપાસમાં સ્થળ પર આવા કોઈ નેટ કે ગ્રીનહાઉસ દેખાયા નથી. સરકારી બાબુઓ એ કાગળ પર 170 ખેડૂતોનાં નામે આ કૌભાંડ આચર્યું છે. જેની યોગ્ય તપાસ થવી જોઈએ.
‘યોજનામાં ખેડૂતોને કોઈ લાભ નથી મળ્યો’
આ યોજના ખેડૂતો માટે છે અને ખરેખર ખેડૂતને આનો કોઈ લાભ મળ્યો નથી. ગુજકોમોસોલ કંપની બિયારણ બનાવતી કંપની છે. આ કંપની કેવી રીતે નેટ હાઉસનું ઇન્સ્ટોલેસન કરી શકે? તેવું કહી તેમણે સવાલો ઉઠાવ્યા હતા. સમગ્ર જિલ્લામાં વોટરશેડ યોજના ચાલે છે ત્યારે સમગ્ર જિલ્લાના તમામ તાલુકામાં આ યોજના થકી લાભાર્થીઓ અને તે બાદની સ્થળ તપાસ કરી ખરેખર વોટરશેડ બનાવવામાં આવે છે કે કેમ તેની યોગ્ય તપાસ કરવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું.
ADVERTISEMENT