દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. લોકોએ ઘરો અને દુકાનોમાં પૂજા કર્યા બાદ એકબીજાને મીઠાઈ ખવડાવીને દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરી. ચોપડા પૂજન પૂરું થયા બાદ લોકોએ ફટાકડા ફોડ્યા, આતિશબાજીથી આકાશ જગમગી ઉઠ્યું. આ દરમિયાન દેશને આઝાદી મળ્યા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરના એક મંદિરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી છે.
ADVERTISEMENT
લોકોમાં જોવા મળી રહી છે ખુશીઃ રવિન્દ્ર પંડિત
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીટવાલમાં LoCની બાજુમાં શારદા મંદિર આવેલું છે. ‘સેવ શારદા કમિટી’ના ફાઉન્ડર અને પ્રમુખ રવિન્દ્ર પંડિતે જણાવ્યું કે, અહીં 75 વર્ષમાં પહેલીવાર દિવાળી પર પૂજા કરવામાં આવી છે. આ ખૂબ જ ખુશીની વાત છે કે 75 વર્ષ બાદ દિવાળી પર લોકોને પૂજાનો લ્હાવો ફરી એકવાર મળ્યો. શારદા મંદિરમાં દિવાળી પર પૂજા કરવામાં આવતા લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે.
સત્યનારાયણ ભગવાનની કરાઈ પૂજા
શારદા મંદિરમાં પૂજા દરમિયાન 104 વિજય શક્તિ બ્રિગેડના કમાન્ડર કુમાર દાસ અને સેવ શારદા કમિટીના પ્રમુખ રવિન્દ્ર પંડિત ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ત્રિભોની ગામના સ્થાનિક લોકો અને મોટી સંખ્યામાં શીખોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દિવાળીના દિવસે મંદિરમાં સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવી હતી અને ઉપસ્થિત લોકોને મીઠાઈ વહેચવામાં આવી હતી.
1947 સુધી માનવવામાં આવતી હતી દિવાળી
તમને જણાવી દઈએ કે, દેશના ભાગલા પડ્યા એ પહેલા અહીં મંદિર અને ગુરુદ્વારા આવેલું હતું, જ્યાં 1947 સુધી દિવાળી મનાવવામાં આવતી હતી. જે બાદ મંદિર અને ગુરુદ્વારા પર હુમલો કરી સળગાવી દેવામાં આવ્યું હતું. ત્યારપછી ત્યાં ફરી ક્યારેય દિવાળી મનાવવામાં આવી ન હતી, પરંતુ 75 વર્ષ પછી ફરી એકવાર મંદિરમાં દિવાળીની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી.
શારદા મંદિર ક્યાં આવેલું છે?
શારદાપીઠ એ દેવી સરસ્વતીનું એક પ્રાચીન મંદિર છે જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શારદા પાસે કિશનગંગા નદી (નીલમ નદી)ના કિનારે આવેલું છે. આના પર ભારતનો અધિકાર છે. તેની આસપાસનો વિસ્તાર ખૂબ જ સુંદર અને મનોહર છે. શારદા પીઠ મુઝફ્ફરાબાદથી લગભગ 140 કિમી અને કુપવાડાથી લગભગ 30 કિમી દૂર છે.
ADVERTISEMENT