Gogamedi Murder Case: શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પડોશી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે. એક શૂટર નીતિન ફૌજી મહેન્દ્રગઢના દૌંગડા જાટનો રહેવાસી છે. નીતિન હાલમાં સેનામાં ફરજ બજાવે છે અને અલવર પોસ્ટિંગ પર છે. જોકે, આ સમગ્ર મામલે પોલીસ એકદમ મૌન છે અને કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહી છે.
ADVERTISEMENT
પોલીસે કરી લીધી ઓળખ
વાસ્તવમાં રાજસ્થાનમાં થયેલી સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ઓળખ કરી લીધી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. જે નાગૌરના મકરાનાનો રહેવાસી છે. જ્યારે અન્ય નીતિન ફૌજી હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનો રહેવાસી છે.
2019માં સેનામાં થયો હતો ભરતી
મહેન્દ્રગઢના દૌંગડા જાટ ગામનો રહેવાસી નીતિન ફૌજી અલવરમાં 19 જાટ રેજિમેન્ટમાં તૈનાત હતો. તે વર્ષ 2019માં ભારતીય સેનામાં ભરતી થયો હતો. તેણે 8 નવેમ્બરના રોજ બે દિવસની રજા લીધી હતી અને પછી તે ફરજ પર પાછો ફર્યો નહોતો. નીતિન ફૌજીના પિતાએ જણાવ્યું કે, “મારો દીકરો 9 નવેમ્બરે 11 વાગ્યે ઘરેથી મહેન્દ્રગઢ ગાડી રિપેર કરાવવા માટે ગયો હતો, ત્યારબાદ મારો તેની સાથે કોઈ સંપર્ક નથી.”
ભાઈ પણ સેનામાં તૈનાત
22 વર્ષના નીતિનને એક બહેન અને એક ભાઈ છે. નીતિનનો ભાઈ વિકાસ પણ 19 જાટ રેજિમેન્ટમાં ફરજ બજાવે છે. બધા ભાઈ-બહેનો પરણેલા છે. નીતિનના પણ એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. રાજસ્થાનના જાટ બહરોડમાં તેનું સાસરી છે.
અપહરણ કેસમાં આવ્યું હતું નીતિનનું નામ
કહેવાઈ રહ્યું છે કે, 10 નવેમ્બરના રોજ મહેન્દ્રગઢના સદરમાં પ્રતાપ ઉર્ફે ગોવિંદ શર્માનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ગ્રામજનોએ સમયસર પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ વાહનનો પીછો કરી અપહરણ કરાયેલ વ્યક્તિને છોડાવ્યો હતો. પોલીસે આ કેસમાં આરોપી કુલદીપ રાઠી સહિત અન્ય બેની ધરપકડ કરી હતી. જ્યારે નીતિન ફૌજી નાસી ગયો હતો. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પહેલા નીતિનની આ ગુનાહિત પૃષ્ઠભૂમિ છે.
લગ્નનું કાર્ડ આપવાના બહાને ગયા હતા હત્યારાઓ
સૂત્રોએ જણાવ્યું કે, કાપડના વેપારી નવીન શેખાવત તેની માસીના દીકરાના લગ્નનું કાર્ડ આપવા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીના ઘરે ગયો હતો. આ દરમિયાન નવીન પોતાની સાથે રોહિત રાઠોડ અને નીતિન ફૌજીને પણ લઈને ગયો હતો. નવીને ત્રણ દિવસ પહેલા 5000 રૂપિયા પ્રતિ દિવસના ભાવે SUV કાર ભાડે લીધી હતી.
ભાડે લીધી હતી કાર
આ કાર જયપુરના માલવિયા નગર ખાતે આવેલી એક કંપની પાસેથી ભાડે લેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ કાર ગોગામેડીના ઘરે જ મુકીને ફરાર થઈ ગયા હતા. સૂત્રોનું કહેવું છે કે કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.
રોહિત ગોદરા ગેંગે જવાબદારી લીધી
ઉલ્લેખનીય છે કે મંગળવારે જયપુરમાં બે હુમલાખોરોએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસીને તેમના પર ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ગોળીથી ઘાયલ થયેલા ગોગામેડીનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ ઘટના દરમિયાન હુમલાખોરોએ તેમની સાથે રહેલા નવીન શેખાવતને પણ ગોળી મારી હતી. રોહિત ગોદારા ગેંગે હુમલાની જવાબદારી લીધી છે.
ADVERTISEMENT