લઠ્ઠાકાંડ મુદ્દે ઈસુદાનના આકરા પ્રહારો / ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનું રાજીનામું માગ્યું; મૃતકોના પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો

બોટાદનાં કથિત લઠ્ઠાકાંડમાં અત્યારસુધી 36 લોકોનાં મોત થયા છે અને હજુ પણ આ આંકડો વધી શકે એવા અણસાર જણાઈ રહ્યા છે. તેવામાં આ ગંભીર મુદ્દે…

gujarattak
follow google news

બોટાદનાં કથિત લઠ્ઠાકાંડમાં અત્યારસુધી 36 લોકોનાં મોત થયા છે અને હજુ પણ આ આંકડો વધી શકે એવા અણસાર જણાઈ રહ્યા છે. તેવામાં આ ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટીનાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી જનરલ ઈસુદાન ગઢવીએ વીડિયો શેર કરી સરકાર પર નિશાન સાધ્યું છે.નોંધનીય છે કે હજુ પણ આ ઝેરી દારૂ પીવાથી 30 લોકોની સ્થિતિ ગંભીર છે. તેવામાં ઈસુદાને સરકારની ઝાટકણી કાઢી હતી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ એ વાત પણ ઉચ્ચારી હતી. એટલું જ નહીં ઈસુદાને ગામડાઓમાં દારૂના ધૂમ વેચાણ અંગેની ઘટનાઓ પણ વર્ણવી હતી.. ચલો FSL રિપોર્ટ સહિત સમગ્ર ઘટનાક્રમ તથા ઈસુદાનના નિવેદન પર આપણે નજર કરીએ…

ઈસુદાન ગઢવીએ વીડિયો શેર કરી કહ્યું… ગુજરાતના જે ગામોમાં આ ઘટના ઘટી છે એ ગામના લેટર પેડ પર મહિનાઓ પહેલાં મેં લખીને આપ્યું હતું કે અહીં ખૂબ દારૂ વેચાય છે. અહીં ઘરકંકાશ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું મુખ્ય કારણ પણ આ દારૂ જ છે. વળી આવું ગુજરાતમાં પહેલીવાર થયું નથી, જ્યારથી ભાજપનું શાસન રાજ્યમાં સ્થાપિત થયું છે ત્યારથી સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ભાજપના શાસનમાં દરવર્ષે લઠ્ઠાકાંડ થાય છે અને લોકોનાં મોત થાય છે.

સરકારની બેદરકારીથી લોકોનાં મોત થયા- ઈસુદાન
ઈસુદાને વધુમાં કહ્યું કે અત્યારે ગામમાં લઠ્ઠાકાંડથી જે મૃત્યું થઈ રહ્યા છે એની પાછળનું કારણ પણ સરકારની બેદરકારી જ છે. આ નવા નિશાળીયાઓને સરકાર કેવી રીતે ચલાવવી એ આવડતું જ નથી. લોકોની સુરક્ષા કેવી રીતે કરવી એની પણ આ સરકારને ભાન નથી અને આ એક દુઃખદ ઘટના છે.

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ- ઈસુદાન
લઠ્ઠાકાંડ મુદ્દે ઈસુદાન ગઢવીએ રાજ્યનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સામે નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે મોતનાં વધતા જતા આંકડાનાં પગલે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ નૈતિકતાનાં ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ.

મૃતકોના પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
લઠ્ઠાકાંડ મુદ્દે પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મિથાઈલ આલ્કોહોલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યાર પછી આ સમગ્ર ઘટનાક્રમ મુદ્દે DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી જયેશે કુલ 40 હજાર રૂપિયાનું કેમિકલ વેચી નાખ્યું હતું. આ દરેકે કેમિકલ અને પાણીનું મિશ્રણ પીધું હતુ તેવામાં જયેશની પૂછપરછ કરતાં સામે આવ્યું કે તેને આ વાતની પણ જાણ હતી કે મિથેનોલ પીવાથી મોત થાય છે.

    follow whatsapp