Isreal-Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધની વચ્ચે હમાસ હવે સોદાબાજી પર ઉતરી આવ્યું છે. તેણે બેવડી નાગરિકતા ધરાવતા 50 બંધકોને મુક્ત કરવાના બદલામાં ઇઝરાયેલ પાસેથી ઇંધણ પુરવઠાની માંગ કરી છે. જોકે, ઈઝરાયલે આ માંગને ફગાવી દીધી છે. ઈઝરાયેલનું કહેવું છે કે, જ્યારે તમામ 220 બંધકોને મુક્ત કરવામાં આવશે ત્યારે જ તે ઈંધણના પુરવઠાને મંજૂરી આપશે.
ADVERTISEMENT
વાસ્તવમાં, હમાસે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 1400 લોકોના મોત થયા છે. આ સિવાય હમાસે સેંકડો ઈઝરાયેલ અને વિદેશી નાગરિકોને બંધક બનાવ્યા હતા. તેમાંથી હમાસના લડવૈયાઓને ગાઝા પટ્ટીમાં રાખવામાં આવ્યા છે. જો કે કેટલાક બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. જોકે 220 નાગરિકો હજુ પણ હમાસના કબ્જામાં છે.
હમાસના હુમલા બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં જવાબી કાર્યવાહી કરી હતી. આટલું જ નહીં ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર નાકાબંધી પણ કરી દીધી હતી. ઈઝરાયેલે ખોરાક, પાણી અને ઈંધણનો પુરવઠો પણ બંધ કરી દીધો હતો. જેના કારણે ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હમાસે 50 બંધકોને છોડાવવાના બદલામાં ઈંધણની સપ્લાયની મંજૂરી આપવાની શરત રાખી છે.
વાટાઘાટો હજુ ચાલુ છે
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે એક વરિષ્ઠ રાજદ્વારી અધિકારીને ટાંકીને જણાવ્યું કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કતાર અને ઈજીપ્તના માધ્યમથી 50 બંધકોને મુક્ત કરવા માટે વાતચીત ચાલી રહી છે. આ પહેલા ધ વોલ સ્ટ્રીટ જર્નલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે હમાસે ગાઝામાં ઈંધણ આપવાના બદલામાં બેવડી નાગરિકતા ધરાવતા 50 નાગરિકોને મુક્ત કરવાની માંગ કરી છે.
એવું માનવામાં આવે છે કે તમામ 220 બંધકો હમાસની કસ્ટડીમાં નથી. કારણ કે આ પહેલા પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદે દાવો કર્યો હતો કે તેની પાસે 30 બંધકો છે. ઑક્ટોબર 7માં ઇઝરાયેલ પર થયેલા હુમલામાં ઇસ્લામિક જેહાદના લડવૈયાઓ પણ સામેલ હતા.
ઈઝરાયેલ ગ્રાઉન્ડ ઓપરેશન માટે તૈયાર
એક તરફ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે વાતચીત ચાલી રહી છે. બીજી તરફ ઈઝરાયેલે પણ ગાઝા પટ્ટી પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર વાયુસેનાએ ગાઝા પટ્ટીમાં હમાસની 400 જગ્યાઓને નિશાન બનાવી હતી. આ હુમલામાં હમાસના ઘણા કમાન્ડરો પણ માર્યા ગયા છે. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર હુમલામાં હમાસની અલફુરકાન બટાલિયનના ડેપ્યુટી કમાન્ડર નુસીરત, શાતી અને નાયબ કમાન્ડર માર્યા ગયા છે.
ઈઝરાયેલના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરજી હલેવીએ સ્પષ્ટ કર્યું કે ગાઝા પટ્ટીમાં તેમના હવાઈ હુમલાઓ બંધ નહીં થાય. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે ઈઝરાયેલની સેના જમીની હુમલા માટે પણ સારી રીતે તૈયાર છે. ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટીની આસપાસ કેમ્પ કરી રહી છે.
યુએન પાસે માત્ર ત્રણ દિવસનું ઇંધણ બાકી
પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી UNRWA ના ગાઝા ડિરેક્ટર થોમસ વ્હાઇટે સોમવારે જણાવ્યું હતું કે એજન્સી પાસે તેના ટ્રકો માટે માત્ર ત્રણ દિવસનું ઇંધણ બાકી છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું હતું કે, જો ટ્રકોને ઈંધણ નહીં મળે તો સહાયનું વિતરણ બંધ થઈ જશે. ગાઝાની હોસ્પિટલોમાં પણ વીજળીની કટોકટી છે. બીજી તરફ ઈઝરાયેલને લાગે છે કે જો ઈંધણ સપ્લાય કરવામાં આવશે તો હમાસ તેની સામે લશ્કરી હેતુઓ માટે તેનો ઉપયોગ કરશે. જો ઇઝરાયેલ ગાઝા પર હવાઈ બોમ્બમારો ચાલુ રાખશે તો હમાસે બંધકોને મારી નાખવાની ધમકી પણ આપી છે.
બાઇડન અને નેતન્યાહુએ વાત કરી
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએસ પ્રમુખ જો બાઇડને સોમવારે ફોન પર બંધક સંકટ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન બાઇડને ગાઝામાંથી બે કેદીઓની મુક્તિનું સ્વાગત કર્યું હતું. વ્હાઇટ હાઉસના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બાઇડને 10 અમેરિકનો સહિત તમામ બંધકોને મુક્ત કરવા અને ગાઝામાં અમેરિકન નાગરિકોને સલામત માર્ગ પ્રદાન કરવા માટે ચાલુ પ્રયાસો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.
અમેરિકી રાષ્ટ્રપતિએ ગાઝાને આવશ્યક માનવતાવાદી સહાય પૂરી પાડવાનું ચાલુ રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. બાઇડને ફરી એકવાર નેતન્યાહુને ઇઝરાયેલ માટેના અમેરિકન સમર્થન અને નવી અમેરિકન સૈન્ય તૈનાતી વિશે માહિતી આપી.
ADVERTISEMENT