Israel-Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 80 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી હવાઈ અને જમીની હુમલા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ક્રિસમસ પર ઈઝરાયેલે ગાઝામાં જોરદાર હવાઈ હુમલો કર્યો છે. જેમાં બાળકો સહિત લગભગ 70 લોકોના મોત થયા છે. ગાઝા પટ્ટીમાં આ હવાઈ હુમલો સૌથી ઘાતક માનવામાં આવે છે. રવિવારની મધ્યરાત્રિના થોડા કલાકો પહેલા ઇઝરાયેલી હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો અને સોમવારની સવાર (નાતાલ) સુધી શ્રેણીબદ્ધ હુમલા ચાલુ રહ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ અને પેલેસ્ટિનિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઇઝરાયેલે મધ્ય ગાઝામાં હવા અને જમીન પર ગોળીબાર કર્યો છે.
ADVERTISEMENT
ઈઝરાયલના હુમલામાં 70 લોકોના મોત
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, હમાસ સંચાલિત ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 70 લોકો માર્યા ગયા છે. આ હુમલાઓ એક શરણાર્થી શિબિરને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. જેના કારણે અનેક મકાનો પ્રભાવિત થયા છે. ગાઝામાં આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, મૃત્યુઆંક 20 હજારને વટાવી ગયો છે, જેમાંથી બે તૃતીયાંશ મહિલાઓ અને બાળકો છે.
આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલે મધ્ય ગાઝામાં મધાજીને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. તે જ સમયે, ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તે મધાજી ઘટનાના અહેવાલની સમીક્ષા કરી રહી છે. અમે નાગરિકોને ન્યૂનતમ નુકસાન પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અહીં, હમાસે એ આરોપોને નકારી કાઢ્યા છે જેમાં ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે, હમાસના લડવૈયાઓ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં છુપાયેલા છે અથવા નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરીને આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.
‘મુખ્ય માર્ગો પર બોમ્બથી હુમલો કરવામાં આવી રહ્યો છે’
પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટે ઘાયલોને હોસ્પિટલોમાં લઈ જવાના ફૂટેજ જાહેર કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલી યુદ્ધ વિમાનો મધ્ય ગાઝામાં મુખ્ય માર્ગો પર બોમ્બમારો કરી રહ્યાં છે, એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વાહનોને અવરોધિત કરી રહ્યાં છે. ડૉક્ટરોએ કહ્યું કે, ઇઝરાયલે દક્ષિણ ગાઝામાં ખાન યુનિસમાં પણ હવાઈ હુમલો કર્યો છે, જેમાં આઠ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે.
‘બેથલહમમાં નાતાલની ઉજવણી રદ કરાઈ’
તે જ સમયે, પાદરીઓએ ઇઝરાયેલના કબજા હેઠળના પેલેસ્ટિનિયન વેસ્ટ બેંક શહેર બેથલહમમાં સમારોહને રદ કરી દીધો છે. પોપ ફ્રાન્સિસે ગાઝા પર થયેલા હુમલા પર દુખ વ્યક્ત કર્યું છે.
‘બેથલહમમાં હજારો પ્રવાસીઓ ભાગ લે છે’
તમને જણાવી દઈએ કે બેથલહમને લઈને ઈસાઈ સમુદાયનું માનવું છે કે, ઈશુ ખ્રિસ્તનો જન્મ ત્યાં 2000 વર્ષ પહેલા ગમાણમાં થયો હતો. સામાન્ય રીતે અહીં વાર્ષિક નાતાલની ઉજવણીમાં હજારો પ્રવાસીઓ આવે છે. પેલેસ્ટિનિયન ખ્રિસ્તીઓએ અગાઉ મીણબત્તીઓ પ્રગટાવી હતી અને ગાઝામાં સામાન્ય ઉજવણીને બદલે શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
ADVERTISEMENT