Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, ફક્ત ભારત જ નહીં વિદેશમાં સ્થાયી થયેલા હિન્દુઓમાં પણ તેને લઈને ઘણો ઉત્સાહ છે. રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અમેરિકન હિન્દુઓએ હ્યુસ્ટનમાં એક મોટી કાર રેલી કાઢી હતી.
અમેરિકામાં જોવા મળ્યો ભક્તિનો માહોલ
કાર રેલી દરમિયાન અમેરિકામાં રહેતા હિન્દુઓએ હ્યુસ્ટનના 11 મંદિરોમાં દર્શન કર્યા અને રામ ભજન ગાયા. 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ધાટન માટે વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા (VHPA)ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
અમેરિકામાં કાઢવામાં આવી રેલી
રેલી દરમિયાન હિન્દુઓએ રામ મંદિરની તસવીરવાળા ભગવા ધ્વજ, ભારતીય અને અમેરિકી ધ્વજ પણ કાર પર લગાવ્યા હતા. રેલી દરમિયાન 216 ગાડીઓનો પાંચ કિલોમીટર લાંબો કાફલો નીકળ્યો હતો. આ રેલીને 8 બાઈક પર પોલીસકર્મીઓ સ્ક્વોડ કરી રહ્યા હતા.
11 મંદિરોમાં રોકાઈ રેલી
આ રેલી શ્રી મીનાક્ષી મંદિરથી શરૂ થઈ હતી અને શ્રી શરદ અંબા મંદિર પર ખતમ થઈ. રેલી દરમિયાન તમામ ગાડીઓ રસ્તામાં આવનારા 11 મંદિરો પર રોકાઈ હતી અને જય શ્રીરામના નારાની સાથે-સાથે રામના ભજન પણ ગયા. મંદિરોમાં હિન્દુ સમુદાયના લોકોએ રેલીનું સ્વાગત કર્યું હતું.
જોવા મળ્યો અનેરો ઉત્સાહ
લિવિંગ પ્લેનેટ ફાઉન્ડેશનના સ્થાપક કુસુમ વ્યાસે જણાવ્યું કે, જય શ્રી રામના નારા અને શંખના અવાજે મંદિરમાં હાજર દરેક વ્યક્તિને ભાવુક બનાવી દીધા હતા. હ્યુસ્ટનમાં આ પ્રકારની પ્રથમ કાર રેલીનું આયોજન અંચલેશ અમર, ઉમંગ મહેતા અને અરુણ મુંદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું. અંચલેશ અમર VHPAના પણ સભ્ય છે. તેમણે કહ્યું કે, કાર રેલી માટે અઢી હજારથી વધુ ભક્તો વિવિધ મંદિરોમાં એકઠા થયા હતા. ઉમંગ મહેતાએ કહ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામની વાપસી જોઈને અમે ધન્ય થયા છીએ. તેમણે કહ્યું કે રામ ભક્તિનો માહોલ જોઈને એવું લાગ્યું કે જાણે ભગવાન રામ સ્વયં હ્યુસ્ટન આવ્યા હોય.
અમેરિકામાં પણ જોરશોરથી તૈયારી
રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને અમેરિકામાં પણ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. VHPA આ સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે. મંદિરોમાં રામ મંદિરના ઉદ્ઘાટનનો પ્રસાદ આપવામાં આવશે.