કોમનવેલ્થ ગેમ્સ 2022માં રવિવારે ભારતીય મહિલા ટીમે 8 વિકેટથી પાકિસ્તાની મહિલા ટીમને હરાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે વરસાદના વિઘ્નના કારણે આ મેચ 18-18 ઓવરમાં રમાઈ હતી. જેમાં પાકિસ્તાનની કેપ્ટન બિસ્માહ મારૂફે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન પાકિસ્તાની ટીમ 18 ઓવરમાં 99 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈન્ડિયન ટીમે 11.4 ઓવરમાં 2 વિકેટના નુકસાને 102 રન નોંધાવી સ્કોર ચેઝ કરી લીધો છે. ભારતની સ્મૃતિ મંધાનાએ મેચ વિનિંગ ફિફ્ટી ફટકારી ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ADVERTISEMENT
સ્મૃતિની મેચ વિનિંગ ફિફ્ટી
100 રનના ટાર્ગેટને ચેઝ કરતા સમયે ભારતની બેટર સ્મૃતિ મંધાનાએ 42 બોલમાં 63 રન ફટકારી ટીમને જીત સુધી દોરી હતી. આ દરમિયાન સ્મૃતિએ 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
પાકિસ્તાનનું કંગાળ પ્રદર્શન
પાકિસ્તાની મહિલા ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. જોકે આ નિર્ણય ટીમને જ ભારે પડી ગયો હતો. કારણ કે ભારતીય મહિલા ટીમની શાનદાર બોલિંગના પરિણામે પાકિસ્તાની ટીમ 18 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 0 રનમાં પહેલી વિકેટ પડી જતા પાકિસ્તાન બીજી ઓવરથી જ બેકફુટ પર આવી ગઈ હતી.
ભારતીય ટીમે પહેલી ઓવરથી જ આક્રમક બોલિંગ પ્લાન સાથે પાકિસ્તાનને હંફાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ભારતની સ્નેહ રાણા અને રાધા યાદવે 2-2 વિકેટ લઈને પાકિસ્તાનના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. જ્યારે 5 પાકિસ્તાની મહિલા ખેલાડીઓ સિંગલ ડિજિટ સ્કોર નોંધાવીને જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
ADVERTISEMENT