ભારતીય યુવતીએ 140 ભાષાઓમાં ગાયું ગીત, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ; જુઓ વીડિયો

એક ભારતીય યુવતીએ 140 ભાષાઓમાં ગીત ગાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ યુવતી કેરળ રાજ્યની રહેવાસી છે. તેનો આ ગીત ગાતો વીડિયો સોશિયલ મીડિયા પર…

gujarattak
follow google news

એક ભારતીય યુવતીએ 140 ભાષાઓમાં ગીત ગાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ યુવતી કેરળ રાજ્યની રહેવાસી છે. તેનો આ ગીત ગાતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. યુવતીનું નામ સુચેતા સતીશ છે. તેણે UAEના દુબઈમાં આયોજિત એક કોન્સર્ટમાં ગીત ગાઈને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

દુબઈમાં યોજાયો હતો કોન્સર્ટ

કોન્સર્ટનું ટાઈટલ ‘કોન્સર્ટ ઓફ ક્લાઈમેટ’ હતું. આ કાર્યક્રમનું આયોજન 24 નવેમ્બર, 2023ના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અત્યારે શેર કરવામાં આવ્યો છે. આમાં સુચેતાના મધુર અવાજને સાંભળી શકાય છે.

ઓલ ઈન્ડિયા રેડિયોએ શેર કર્યો વીડિયો

ઓલ ઈન્ડિયા રેડિયોએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કેરળની રહેવાસી સુચેતા સતીશે એક જ કોન્સર્ટ દરમિયાન સૌથી વધુ ભાષાઓમાં ગાવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવીને સંગીતના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. #GuinnessBookofWorldRecordsએ આ અઠવાડિયાની શરૂઆતમાં સત્તાવાર રીતે તેની સિદ્ધિની પુષ્ટિ કરી છે. UAEના દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ ઓડિટોરિયમમાં તેણે (સુચેતા સતીશે) આ સિદ્ધિ હાંસલ કરી છે.’

140 ભાષામાં ગાયું ગીત

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, સુચેતાએ દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ ઓડિટોરિયમમાં ક્લાઈમેટ ચેન્જ અંગે જાગૃતિ લાવવા માટે 140 ભાષાઓમાં પરફોર્મ કર્યું હતું. 140 નંબરને એટલા માટે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે દુબઈમાં COP 28 સમિટમાં 140 દેશો ભાગ લઈ રહ્યા છે.

લોકો વીડિયોને કરી રહ્યા છે લાઈક

આ વીડિયોને મોટી સંખ્યામાં લોકોએ જોયો છે. લોકો તેને લાઈક કરી રહ્યા છે. કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સુચેતા ઘણી ટેલેન્ટેડ છે. જ્યારે અન્ય એક યુઝરે આટલી ભાષાઓમાં ગીતો ગાવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

    follow whatsapp