જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં, ભારત-પાકિસ્તાન સરહદે LOCને અડીને આવેલા કુપવાડા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓની આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં આ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર ગુપ્ત માહિતીના આધારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા એજન્સીઓ અને આતંકવાદીઓ વચ્ચેની આ અથડામણમાં 5 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે.
સેનાએ પૂંચ જિલ્લામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
સેનાએ ગુરુવારે (15 જૂન) જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને નિયંત્રણ રેખાની નજીકથી મોટી સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સર્ચ ઓપરેશન દરમિયાન આ રિકવરી કરવામાં આવી છે, જેમાં કારતુસ અને પાકિસ્તાનમાં બનેલી દવાઓ પણ સામેલ છે.
જમ્મુમાં સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં, સતર્ક સૈનિકોએ 14 અને 15 જૂનની મધ્યરાત્રિએ કૃષ્ણા ઘાટી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી
સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે ચોક્કસ માહિતીના આધારે જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને આ દરમિયાન એક એકે-47 રાઈફલવાળી બે બેગ, નવ મેગેઝીન, 438 કારતૂસ, ચાર મેગેઝીનવાળી બે પિસ્તોલ અને છ ગ્રેનેડ મળી આવ્યા, ઉપરાંત કેટલાક કપડાં પણ મળી આવ્યા. લેફ્ટનન્ટ કર્નલ આનંદે કહ્યું કે, આ ઝડપી કાર્યવાહીથી ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે, જેનાથી પુંછ જિલ્લામાં શાંતિ ડહોળાવાની આશંકા હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારે મોડી રાત્રે સરહદ પારથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલની જાણ થતાં સેનાના જવાનોએ ગોળીબાર કર્યો હતો. જો કે, ગાઢ ધુમ્મસ અને અંધકારનો લાભ લઈને, આતંકવાદીઓ હથિયારો અને દારૂગોળો છોડીને ભાગવામાં સફળ થયા.
ADVERTISEMENT