Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત પહોંચી રહ્યા છે. નોકરીમાં અનામત નાબૂદ કરવા અને વડાપ્રધાન શેખ હસીના અને શાસક પક્ષના સમર્થકોના રાજીનામાની માગણી કરતા વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 19 પોલીસકર્મીઓ સહિત 100 થી વધુ લોકો માર્યા ગયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે દેશભરમાં સેના તૈનાત છે.
ADVERTISEMENT
બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બીએસએફ ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે.
રવિવારે વિરોધ હિંસક બન્યો હતો
સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી ચાલી રહેલ વિદ્યાર્થીઓનો વિરોધ રવિવારે હિંસક બન્યો હતો. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે હવે તેમની એકમાત્ર માંગ પીએમ શેખ હસીનાનું રાજીનામું છે. બાંગ્લાદેશના અગ્રણી અખબાર પ્રથમ આલોએ કહ્યું કે, દેશભરમાં અથડામણ, ગોળીબાર અને જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા છે. પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, દેશભરમાં 14 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. જેમાંથી 13ના મોત સિરાજગંજના ઇનાયતપુરના જ પોલીસ સ્ટેશનમાં થયા હતા. લગભગ 300 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
જાણો શા માટે હિંસા ફાટી નીકળી છે?
બાંગ્લાદેશમાં ઘણી વખત હિંસા ભડકી ચૂકી છે. પ્રદર્શનકારીઓ માંગ કરી રહ્યા છે કે 1971 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત રાખતી ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવામાં આવે. અગાઉ જ્યારે હિંસા ફાટી નીકળી ત્યારે કોર્ટે ક્વોટાની મર્યાદા ઘટાડી દીધી હતી. પરંતુ હિંસા અટકી નહતી અને હવે પ્રદર્શનકારીઓ શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે વિરોધીઓએ પોલીસ સ્ટેશનો, શાસક પક્ષના કાર્યાલયો અને તેમના નેતાઓના રહેઠાણો પર હુમલો કર્યો અને અનેક વાહનોને સળગાવી દીધા. સરકારે મેટા પ્લેટફોર્મ ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
PMએ દેખાવકારોને આતંકવાદી કહ્યા
વડાપ્રધાન હસીનાએ કહ્યું કે, 'જેઓ વિરોધના નામે દેશભરમાં "તોડફોડ" કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નથી પરંતુ આતંકવાદી છે. હું દેશવાસીઓને અપીલ કરું છું કે આ આતંકવાદીઓને સખત રીતે કચડી નાખો.' પીએમએ સંરક્ષણ અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક પણ કરી છે. ત્યારે હિંસક વિરોધ વચ્ચે સરકારે સોમવાર, મંગળવાર અને બુધવારે ત્રણ દિવસની સામાન્ય રજા જાહેર કરી છે.
કર અને બિલની ચુકવણી ન કરવા માટે અપીલ
આંદોલનકારીઓએ ટેક્સ અને બિલ ન ભરવાની અપીલ કરી છે અને રવિવારે કામ પર ન જવાની પણ અપીલ કરી છે. વિરોધીઓએ રવિવારે ઢાકાના શાહબાગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, બંગબંધુ શેખ મુજીબ મેડિકલ યુનિવર્સિટી સહિતની ખુલ્લી ઓફિસો અને સંસ્થાઓ પર પણ હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઢાકાના ઉત્તરા વિસ્તારમાં કેટલાક ક્રૂડ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને ગોળીબારના અવાજો સંભળાયા હતા.
જુલાઈમાં પણ હિંસા થઈ હતી
મીડિયા સાથે વાત કરતા, ઢાકાના મુન્શીગંજ જિલ્લાના એક પોલીસકર્મીએ કહ્યું કે "આખું શહેર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે". વિરોધ કરનારા નેતાઓએ વિરોધીઓને પોતાને વાંસની લાકડીઓથી સજ્જ કરવા માટે હાકલ કરી હતી, કારણ કે જુલાઈમાં વિરોધના અગાઉના રાઉન્ડને મોટાભાગે પોલીસ દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.
ભારતે બાંગ્લાદેશ માટે એડવાઈઝરી જારી કરી છે
બાંગ્લાદેશમાં હિંસાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીય નાગરિકોને પડોશી દેશમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. હાલમાં બાંગ્લાદેશમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખવા, તેમની હિલચાલને પ્રતિબંધિત કરે અને ઢાકામાં ભારતીય હાઈ કમિશન સાથે તેમના ઈમરજન્સી ફોન નંબર દ્વારા સંપર્કમાં રહે. આ સિવાય સરકારે આ માટે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે.
ADVERTISEMENT