Independence Day 2024: 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે સૌથી પહેલા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી મોટી જાહેરાતો કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 5 વર્ષમાં મેડિકલની 75 હજાર સીટો વધારવામાં આવશે.
ADVERTISEMENT
..તેથી અમે મેડિકલ સીટો વધારવાનું કર્યું નક્કી: PM
પીએમ મોદીએ કહ્યું કે, અમે છેલ્લા 10 વર્ષમાં મેડિકલ સીટોની સંખ્યા વધારીને અંદાજે એક લાખ કરી છે. લગભગ 25 હજાર યુવાનો મેડિકલ એજ્યુકેશન માટે વિદેશ જાય છે. એવા-એવા દેશમાં જવું પડી રહ્યું છે, જેના વિશે સાંભળું છું તો હું ચોંકી જાઉં છું. તેથી અમે નક્કી કર્યું છે કે મેડિકલ લાઈનમાં 75 હજાર નવી સીટો બનાવવામાં આવશે. આગામી 5 વર્ષમાં મેડિકલ લાઇનમાં 75,000 નવી સીટો વધારવામાં આવશે. વિકસિત ભારત 2047, 'સ્વસ્થ ભારત' પણ હોવું જોઈએ અને આ માટે અમે રાષ્ટ્રીય પોષણ મિશન શરૂ કર્યું છે.
અમે શરૂ કર્યું રાષ્ટ્રીય પોષણ મિશનઃ PM
પીએમ મોદીએ કહ્યું, જો ભારતને સ્વસ્થ બનાવવું હોય તો બાળકોના પોષણ પર ખાસ ધ્યાન આપવું પડશે. અમે વિકસિત ભારતની પ્રથમ પેઢી પર વિશેષ ધ્યાન આપીને પોષણ અભિયાન શરૂ કર્યું છે. અમે રાષ્ટ્રીય પોષણ મિશન શરૂ કર્યું છે.
'મહિલાઓ પર અત્યાચાર કરનારને થવી જોઈએ સખત સજા'
પીએમ મોદીએ કહ્યું, આજે હું લાલ કિલ્લા પરથી ફરી એકવાર મારી પીડા વ્યક્ત કરવા માંગુ છું. એક સમાજ તરીકે આપણે મહિલાઓ પર થતા અત્યાચારો અંગે ગંભીરતાથી વિચારવું પડશે. દેશમાં તેની સામે આક્રોશ છે. હું આ આક્રોશ અનુભવી શકું છું. દેશ, સમાજ અને રાજ્ય સરકારોએ આ બાબતને ગંભીરતાથી લેવી પડશે. મહિલાઓ સામેના અપરાધોની સત્વરે તપાસ થવી જોઈએ. રાક્ષસી કૃત્યને અંજામ આપનારાઓને વહેલી તકે સખત સજા થવી જોઈએ - સમાજમાં આત્મવિશ્વાસ કેળવવા માટે આ મહત્વપૂર્ણ છે.
ડર પેદા કરવો ખૂબ જ જરૂરીઃ પીએમ
પીએમ મોદીએ કહ્યું કે, હું એ પણ કહેવા માંગુ છું કે જ્યારે પણ મહિલાઓ પર દુષ્કર્મ કે અત્યાચારની ઘટનાઓ બને છે ત્યારે તેની વ્યાપક ચર્ચા થાય છે, પરંતુ જ્યારે આવી રાક્ષસી પ્રવૃત્તિ કરતા શખ્સને સજા મળે છે ત્યારે આ વાત સમાચારમાં નહીં પરંતુ એક ખૂણા સુધી જ સીમિત રહે છે. સમયની માંગ છે કે સજા થનારા શખ્સની વ્યાપક ચર્ચા થવી જોઈએ, જેથી કરીને પાપ કરનારાઓ સમજી શકે કે આવું કરવાથી ફાંસી થાય છે. મને લાગે છે કે આ ડર પેદા કરવો ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT