મહારાષ્ટ્ર: ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મહારાષ્ટ્રમાં એક વેપારીના ઘરે ફિલ્મી સ્ટાઈલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના જાલનામાં ITએ સ્ટીલ, કપડા વેપારી અને રીયલ એસ્ટેટ ડેવલપરના ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી છે. લગભગ 390 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિને ITએ જપ્ત કરી છે, જેમાંથી 58 કરોડ રૂપિયા રોકડા, 32 કિલો સોનું, હીરા-મોતીના દાણા તથા ઘણી પ્રોપર્ટીના કાગળ છે. IT વિભાગે આ ઓપરેશનને ‘દુલ્હન હમ લે જાયેંગે’ નામ આપ્યું હતું.
ADVERTISEMENT
રોકડા ગણવામાં 13 કલાક લાગ્યા
આ દરોડામાં મળેલા કેશ ગણવામાં 13 કલાકનો સમય લાગ્યો. આ કાર્યવાહી 1થી 8 ઓગસ્ટ સુધી ચાલી. IT વિભાગની નાસિક બ્રાન્ચે આ કાર્યવાહી કરી હતી. રાજ્યભરના 20 અધિકારી અને કર્મચારી આ કાર્યવાહીમાં સામેલ હતા. ITના કર્મચારી પાંચ ટીમોમાં વહેંચાયેલા હતા અને 120 ગાડીઓ લઈને દરોડા કરવા પહોંચ્યા હતા. દરોડાની આ સમગ્ર માહિતી ગુપ્ત રાખવા સંપૂર્ણ લગ્નનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો અને અધિકારીઓ જાનૈયા બનીને નીકળ્યા હતા.
સવારે 11થી રાત્રે 1 વાગ્યા સુધી કેશ ગણ્યું
કપડા અને સ્ટીલ વેપારીના ઘરેથી મળેલું કેશ જાલનાની સ્થાનિક સ્ટેટ બેંકની બ્રાન્ચમાં લઈ જઈને ગણવામાં આવ્યું. સવારે 11 વાગ્યાથી કેશની ગણતરીનું કામ શરૂ થયું અને રાત્રે 1 વાગ્યા સુધી રોકડ ગણવાનું કામ શતમ થયું. ઈન્કમ ટેક્સ વિભાગને સૂચના મળી હતી કે જાલનામાં ચાર સ્ટીલ કંપનીના વ્યવહારમાં અનિયમિતતાઓ છે, જે બાદ IT વિભાગ એક્શનમાં આવ્યું હતું. ITની ટીમે ઘરે અને કારખાનામાં રેડ કરી, જોકે ઘરમાંથી ટીમને કંઈ નહોતું મળ્યું, પરંતુ શહેરની બહારના ફાર્મહાઉસમાંથી રોકડ, દાગીના સહિત ઘણા દસ્તાવેજો મળ્યા હતા.
બંગાળ અને યુપીમાં પણ કાર્યવાહી
નોંધનીય છે કે, આ પહેલા EDએ પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીના નિકટ ગણાતા અર્પિતા મુખર્જીના ઘરે દરોડામાં 50 કરોડ રોકડ જપ્ત કરી હતી. આ ઉપરાંત ઘણી પ્રોપર્ટીને પણ EDએ જપ્ત કરી હતી. યુપીમાં પણ કાનપુરના એક વેપારી પીયુષ જૈનના ઘરે દરોડામાં 197 કરોડ રૂપિયા જપ્ત કરાયા હતા.
ADVERTISEMENT