Chardham Yatra Latest Update: ચારધામ યાત્રા શરૂ થયાને 7 દિવસ થઈ ગયા છે. કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી ધામના કપાટ 10 મેના રોજ ખુલી ગયા હતા. જ્યારે બદ્રીનાથ ધામના કપાટ 2 દિવસ બાદ 12 મેના રોજ ખુલ્યા, પરંતુ આ વખતે ચાર ધામ યાત્રા મુશ્કેલીનું કારણ બની રહી છે. 6 દિવસમાં 2.76 લાખ શ્રદ્ધાળુઓ ચાર ધામના દર્શન કરી ચૂક્યા છે. 26 લાખથી વધુ શ્રદ્ધાળુ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. લાખો લોકો ચારધામના રસ્તામાં છે. ઉત્તરાખંડનું હવામાન સતત ખરાબ થઈ રહ્યું છે. હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
ADVERTISEMENT
6 દિવસમાં 11 શ્રદ્ધાળુઓના મૃત્યુ
શ્રદ્ધાળુઓ રસ્તાઓ પર જામમાં ફસાયેલા છે, જેમને સંભાળવા માટે પોલીસ જવાનોની સંખ્યા ઓછી પડી ગઈ છે. 6 દિવસમાં 11 શ્રદ્ધાળુઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ વચ્ચે ચારધામ યાત્રા પર સર્જાયેલી એક દુર્ઘટનાનો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોડી સાંજે બદ્રીનાથ હાઈવે 7 પર 2 બસો સામસામે અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બે મુસાફરો બારીમાંથી બહાર ફેંકાઈ ગયા હતા, પરંતુ પેસેન્જર માંડમાંડ બચ્યા હતા.કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે.
હેલ્થ ચેકઅપ બાદ આગળ વધવાનો આદેશ
ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેના જણાવ્યા અનુસાર, 6 દિવસમાં મૃત્યુ પામેલા 11 શ્રદ્ધાળુઓમાંથી 4 ડાયાબિટીસના દર્દીઓ હતા. પહેલા જ દિવસે 1.55 લાખથી વધુ યાત્રાળુઓ કેદારનાથ, 70,000 થી વધુ યમુનોત્રી અને 63,000 થી વધુ ગંગોત્રીની યાત્રા કરી ચૂક્યા છે. 3 દિવસમાં 45,000 લોકોએ બદ્રીનાથ ધામના દર્શન કરી ચૂક્યા છે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ ચાર ધામ મંદિર પરિસરની 200 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. ઓફલાઈન રજીસ્ટ્રેશન 19 મે સુધી બંધ રહેશે. 31 મે સુધી VIP દર્શન પર પ્રતિબંધ રહેશે.
ફેક ન્યૂઝ ફેલાવનારા સામે થશે કાર્યવાહી
ફેક ન્યૂઝ કે વીડિયો દ્વારા ચારધામ યાત્રાને બદનામ કરનારાઓ સામે FIR નોંધવાના આદેશ છે. અધિકારીઓએ 50 અને તેથી વધુ ઉંમરના યાત્રાળુઓને હેલ્થ ચેકઅપ પછી જ આગળ વધવા દેવાના આદેશો આપ્યો છે. આ માટે આરોગ્ય વિભાગે માર્ગ પર 44 નિષ્ણાતો સહિત 184 તબીબોને તૈનાત કર્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમના સચિવ, વરિષ્ઠ IAS અધિકારી આર મીનાક્ષી સુંદરમને ગંગોત્રી અને યમુનોત્રી યાત્રાઓના સંચાલનની દેખરેખની જવાબદારી સોંપી છે. આ માટે અધિકારીઓ પોતે ફિલ્ડમાં છે.
ADVERTISEMENT