Hindenburg Report Again: અમેરિકી શૉર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ તો યાદ જ હશે... હવે તેણે એક જાહેરાત કરીને બધાની ઊંઘ ઉડાવી દીધી છે. તેણે શનિવારની સવારે એલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી છે. પોતાની પોસ્ટમાં Hindenburg Research એ લખ્યું છે કે, "ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે".
ADVERTISEMENT
ફરી કોઈ મોટો ખુલાસો કરે તેવા એંધાણ!
જોકે, હિંડનબર્ગે શું મોટું થવાનું છે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીની આ પોસ્ટને લઈને એવું માનવામાં આવે છે કે હિંડનબર્ગ રિસર્ચ ફરી એકવાર કોઈ ભારતીય કંપની વિશે મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે.
અદાણી ગ્રુપ પર કર્યો હતો ધડાકો
જાન્યુઆરી 2023માં, હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણી (Gautam Adani)ના અદાણી ગ્રુપને નિશાન બનાવતા એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટે ખળભળાટ મચાવી દીધો હતો, કારણ કે હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવતાની સાથે જ અદાણી ગ્રુપના તમામ શેર ધડામ કરતા નીચે પડ્યા હતા અને ગૌતમ અદાણી વિશ્વના નંબર 2 અરબપતિ બન્યા બાદ 36માં નંબરે સરકી ગયા હતા, કારણ કે તેમની સંપત્તિમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો.
86 અરબ ડોલર ઘટી હતી વેલ્યૂએશન
અદાણી ગ્રુપ પર 24 જાન્યુઆરી 2023ના રોજ રિપોર્ટ આવ્યા બાદ તમામ શેરમાં ભારે ઘટાડો થયો હતો, ત્યારબાદ કંપનીની વેલ્યુએશનમાં પણ ઝડપથી ઘટાડો થયો હતો. સ્થિતિ એવી હતી કે થોડા દિવસોમાં અદાણી ગ્રુપનું વેલ્યુએશન 86 અરજ ડોલર સુધી ઘટી ગયું હતું.
સેબીએ હિંડનબર્ગને ફટકારી હતી નોટિસ
આ વર્ષે જૂનમાં હિંડનબર્ગ રિસર્ચ ફરી એકવાર ચર્ચામાં આવી ગયું હતું, જ્યારે તેણે જાહેર કર્યું હતું કે મૂડી બજારના નિયમનકાર સેબીએ તેમના વિરુદ્ધ ભારતીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને નોટિસ જાહેર કરી હતી. આ ઘટનાક્રમ એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો, કારણ કે હિન્ડેનબર્ગ રિસર્ચે પહેલીવાર તેના રિપોર્ટમાં કોટક બેંકની સ્પષ્ટ રીતે ઓળખ કરી હતી, પરિણામે આ ખુલાસાના કારણે કોટક બેંકના શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં જૂન પછીના તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો.
હિંડનબર્ગે કહ્યું હતું કે, 27 જૂન, 2024ના રોજ ભારતીય બજાર નિયમનકાર દ્વારા જારી કરાયેલ નોટિસ 'બકવાસ' છે. તે પૂર્વ નિર્ધારિત હેતુને પરિપૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવી હતી. તેણે કહ્યું કે ભારતમાં સૌથી શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો પર્દાફાશ કરનારાઓને ચૂપ કરવાનો અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT