Haryana Gang Rape case: હરિયાણાના પલવલમાંથી એક હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલા પર પોલીસ સબ ઈન્સ્પેક્ટરના મિત્રોએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક પરિણીત મહિલા જે તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી હતી, ત્યાં તૈનાત સબ-ઇન્સ્પેક્ટરના સાથીઓએ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
ADVERTISEMENT
પીડિતાએ કહ્યું કે, આરોપીએ તેને ત્રણ દિવસ સુધી એક ઘરમાં ગોંધી રાખી, જ્યાં તેની સાથે વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો, બાદમાં આરોપીએ તેને અન્ય વ્યક્તિને વેચી દીધી જેણે તેની સાથે યૌન શોષણ પણ કર્યું. આ મામલામાં હસનપુર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર સહિત સાત લોકો વિરુદ્ધ રવિવારે FIR નોંધવામાં આવી છે.
એક આરોપીનો ફોન મળતા મહિલાએ પોલીસને જાણ કરી
અધિકારીએ જણાવ્યું કે એક આરોપીનો ફોન મળ્યા બાદ મહિલાએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ તેને બચાવી લેવામાં આવી હતી. પોલીસે મહિલાને તેના પરિવારજનોને સોંપી દીધી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા 23 જુલાઈના રોજ હસનપુર પોલીસ સ્ટેશન આવી હતી જ્યાં તે આરોપી સબ ઈન્સ્પેક્ટર શિવ ચરણને મળી હતી, જેણે તેની ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હતો.
પોલીસકર્મીએ જ મહિલાને મિત્રો સાથે જવા દબાણ કર્યું
શિવચરણે તેને તેના સાથી બલ્લી સાથે નજીકના ખેતરમાં જવા દબાણ કર્યું જ્યાં નિરંજન અને ભીમ નામના વ્યક્તિ પણ હાજર હતા. ત્રણેયએ તેની સાથે બળાત્કાર કર્યો અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ત્રણેય તેને પલવલમાં શાંતિ નામની મહિલાના ઘરે લઈ ગયા, જ્યાં તેઓએ તેને રાતભર રાખી અને તેના પર બળાત્કાર કર્યો.’ બાદમાં તેને બિજેન્દ્ર નામના વ્યક્તિને વેચી દેવામાં આવી હતી, જેણે તેના સાળા ગજેન્દ્ર સાથે મળીને સબ-ઇન્સ્પેક્ટર શિવચરણની હાજરીમાં તેના પર બળાત્કાર કર્યો હતો.
ADVERTISEMENT