મેલબોર્ન: ટી-20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવ્યું. જીત માટે 160 રનનો ટાર્ગેટ ભારતીય ટીમે છેલ્લા બોલ પર હાંસેલ કર્યો. ભારતીય ટીમની જીતમાં હાર્દિક પંડ્યાની ભૂમિકા મહત્વપૂર્ણ રહી. હાર્દિકે પહેલા બોલિંગમાં કમાલ કરતા 3 વિકેટ ખેરવી. આ બાદ બેટિંગમાં પણ 40 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યા અને કોહલી વચ્ચે થયેલી સદીની પાર્ટનરશીપના પરિણામે ભારતીય ટીમે આ મેચ જીતવામાં સફળ રહી. ભારતીય ટીમની જીત બાદ હાર્દિક પંડ્યા ખૂબ ઈમોશનલ થઈ ગયો. તેણે પોતાના દિવંગત પિતાને પણ ભારતની જીત બાદ યાદ કર્યા.
પિતાને યાદ કરીને હાર્દિક પંડ્યાએ શું કહ્યું?
હાર્દિક પંડ્યાએ કહ્યું કે, મેં મેચ પહેલા રાહુલ સરને કહ્યું હતું કે હું 10 મહિના પહેલા જ્યાં હતો અને હવે જ્યાં છું તે ખૂબ મોટી વાત છે. હું આ વસ્તુ માટે આટલી મહેનત કરું છું. આ ઈનિંગ્સ મારા પપ્પા માટે છે. તે અહીં હોત તો ખુબ ખુશ થાત. જો મને રમવાની તક ન મળી હોય તો હું અહીં કેવી રીતે ઊભો હોત. મારા પપ્પાએ મારા માટે ઘણા ત્યાગ કર્યા. તેમણે મારા માટે બીજા શહેર જવાનો નિર્ણય લીધો. જ્યારે અમે બંને ભાઈઓ છ વર્ષના હતા તો તેમણે શહેર બદલી નાખ્યું. હું હંમેશા પપ્પાનો આભારી રહીશ.
‘જીતમાં ટીમના તમામ ખેલાડીઓનું યોગદાન’
હાર્દિકે જણાવ્યું કે, પહેલી મેચ હોવાના કારણે આ ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને તે પણ પાકિસ્તાન વિરુદ્ધ. છોકરાઓએ ઘણા દિવસોથી મહેનત કરી છે. અમે હારીશું તો સાથે, જીતીશું તો સાથે. હું અને વિરાટ કોહલીએ ભલે સારું રમ્યા પરંતુ જીતમાં બધાનું યોગદાન છે. અર્શદીપ, શમી, ભુવનેશ્વરે જેવા બોલ નાખ્યા તે શાનદાર હતા. ભલે ચાર વિકેટ જ પડી, પરંતુ સૂર્યાએ જે ચોગ્ગા માર્યા તે પણ મહત્વપૂર્ણ હતા.
હાર્દિકને ક્રિકેટર બનાવવામાં પિતાનો મહત્વપૂર્ણ ફાળો
નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું પાછલા વર્ષે જાન્યુઆરીમાં નિધન થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, હાર્દિક અને કૃણાલ પંડ્યાને ક્રિકેટર બનાવવામાં તેમના પિતાનો ખૂબ મોટો રોલ છે. હાર્દિક અને કૃણાલ પંડ્યાને ક્રિકેટર બનાવવા માટે હિમાંશુ પંડ્યાએ પોતાનો બિઝનેસ પણ બંધ કરી દીધો હતો અને બીજા શહેરમાં રહેવા જતા રહ્યા હતા, જેથી બંને છોકરાઓને ક્રિકેટની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે.
ADVERTISEMENT