ગાંધીનગરઃ હાલમાં દિવાળીના તહેવારો દરમિયાન ટ્રાફિકના નિયમોને હળવા કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયની જાહેરાત ખુદ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. આ અંગે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં 27 ઓક્ટોબર સુધી ટ્રાફીકના કોઈ નિયમોના ભંગનો દંડ નહીં લેવાય. ઉલ્લેખનીય છે કે હાલમાં દિવાળી તો નજીક છે જ પરંતુ થોડા સમયમાં ગમે ત્યારે ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે રાજકીય પંડીતો આ જાહેરાતને પણ રેવડીની રીતે જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
દિવાળીના નામે રેવડી વહેંચાઈ?
આગામી સમયમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે વિરોધપક્ષોએ લોકોને વિવિધ વચનો આપ્યા, પોતાની સરકાર આવશે તો પોતે શું પ્લાન કરી રહ્યા છે તેની વાત કરી ત્યારે ભાજપે સ્પષ્ટ પણ તેને મફતની રેવડીઓ અને રેવડીની જાહેરાતો હોવાનું કહી આ પક્ષોની છબી રેવડી આપનારાઓ તરીકે ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. રાજકીય પંડીતો માને છે કે આ પ્રકારના પ્રયત્નોની સાથે સાથે ભાજપ પણ જ્યારે ગુજરાતમાં હાલમાં જે જાહેરાતો અને પ્લાનીંગ રજૂ કરી રહ્યું છે તે જાહેરાતો અને પ્લાનીંગ ભાજપ કયો શબ્દ આપશે? હાલ જ્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 27મી તારીખ સુધી ટ્રાફિકના નિયમોના દંડને લઈ જે છૂટછાટ જાહેર કરી તેના માટે પણ રાજકીય વિશ્લેષકો માને છે કે દિવાળી પહેલી વખત તો ગુજરાતમાં આવી નથી, વાત ભાર મુકવા લાયક એ છે કે આ દિવાળી ચૂંટણી પહેલા આવી છે. માટે ભાજપે પણ આ વખતે દિવાળીમાં રેવડી વહેંચી નાખી છે તેવું આવા ગણિત પરથી આંકી શકાય છે.
હર્ષ સંઘવીએ કરી આ જાહેરાત
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આજથી 27મી ઓક્ટોબર 2022 સુધી ગુજરાતમાં ક્યાંય પણ ટ્રાફીકના નિયમો તોડશો તો ટ્રાફિક પોલીસ દંડ કરશે નહીં. તેના બદલામાં તેઓ ફુલ આપશે. તેમણે કહ્યું કે, આ દિવાળીના તહેવારમાં ગુજરાતના નાગરિકો ઘરેથી નીકળે અને નાની મોટી ખરીદી કરવા જાય, દર્શન કરવા જાય ત્યારે કોઈ હેરાનગતિ ન થાય તે માટે એક નિર્ણય લેવાયો છે જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનો દંડ ગુજરાતમાં 27 તારીખ સુધી ઉઘરાવવામાં આવશે નહીં. લાયસન્સ હોય, કે હેલમેટ હોય કે કોઈ બીજા ટ્રાફિક નિયમને તોડશે તો તેને આપણે દંડ નહીં કરે આઝાદીના 75મા વર્ષે દિવાળીના તહેવારે ફુલ આપીને સમજાવશું. તમે ગરીબ કે કોઈ અન્ય પાસેથી દિવાળીનો સામાન ખરીદવાના હોય અને તે ખરીદવા માટે તમારી બચત હોય અને તે બચત ટ્રાફિક પોલીસના ખાતામાં ન જાય તે માટે અમે આ નિર્ણય લીધો છે તેનો મતલબ એ નથી કે આપણે 27મી સુધી ટ્રાફિકના નિયમો નહીં માનીએ, નિયમોનું પાલન જરૂરથી કરજો પણ આ તો કોઈ ભુલ થઈ હોય તો તમારી દિવાળી બગડવા નહીં દઈએ તેનું વચન હું અહીંથી આપું છું.
(Urvish Patel)
ADVERTISEMENT