Ismail Haniyeh Killed: ઈઝરાયેલે 7 ઓક્ટોબરે પોતાના દેશમાં થયેલા ખુન-ખરાબાનો બદલો લઈ લીધો છે. છેલ્લા 9 મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઈઝરાયેલે બુધવારે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા (Ismail Haniyeh)નો ખાતમો કરી દીધો છે. ચોંકાવનારી વાત એ છે કે ઈસ્માઈલ હાનિયા ગાઝા, પેલેસ્ટાઈન કે કતારમાં નહીં, પરંતુ ઈરાનની રાજધાની તેહરાનમાં માર્યો ગયો છે. હમાસે પોતે એક નિવેદન જાહેર કરીને ચીફ ઈસ્માઈલ હાનિયાના મોતની પુષ્ટિ કરી છે.
ADVERTISEMENT
ઈઝરાયેલે ઘર જ ઉડાવી દીધું
હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા (Hamas Chief Ismail Haniyeh) મંગળવારે (30 જુલાઈ) ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યો હતો. આ દરમિયાન ઈસ્માઈલ હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈ સાથે પણ મુલાકાત કરી હતી. બીજા જ દિવસે (બુધવારે) એટલે કે આજે વહેલી સવારે ઈઝરાયેલે તે ઘરને જ ઉડાવી દીધું, જેમાં ઈસ્માઈલ હાનિયા રોકાયો હતો.
હાનિયાનો બોડીગાર્ડ પણ માર્યો ગયો
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ હુમલો તેહરાનમાં ઈસ્માઈલ હનિયાના ઠેકાણાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જેમાં હમાસ ચીફની સાથે-સાથે તેનો એક બોડીગાર્ડ પણ માર્યો ગયો.
દોહામાં રહેતો હતો હમાસ ચીફ હાનિયા
પેલેસ્ટિનિયન સંગઠન હમાસની પાસે ઘણા સંગઠનો છે, જે રાજકીય, લશ્કરી અથવા સામાજિક કામકાજ સંભાળે છે. હમાસની નીતિઓ એક સલાહકાર સંસ્થા (કંસલ્ટેટિવ બોડી) નક્કી કરે છે. તેનું મુખ્યાલય ગાઝા પટ્ટી વિસ્તારમાં જ છે. અત્યાર સુધી હમાસની કમાન ઈસ્માઈલ હાનિયાના હાથમાં જ હતી, જે તેનો અધ્યક્ષ હતો. તેણે 2017થી ખાલિદ મેશાલના ઉત્તરાધિકારી તરીકે આ કામ સંભાળ્યું હતું. તે કતારની રાજધાની દોહામાં રહેતો હતો અને ત્યાંથી હમાસનું કામકાજ જોતો હતો. હકીકતમાં, ઇજિપ્તે તેના ગાઝા આવવા-જવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ત્રણેય દીકરાઓને પણ કર્યા હતા ઠાર
તાજેતરમાં જ (એપ્રિલ 2024) હાનિયાના ત્રણ પુત્રોને પણ ઈઝરાયલી સુરક્ષા દળોએ ઠારમાર્યા હતા. ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક કરીને હાનિયાના ત્રણ પુત્રોને ઠાર માર્યા હતા. ઈઝરાયેલની સેના IDFએ જણાવ્યું હતું કે, હાનિયાના ત્રણ દીકરા આમિર, હાઝેમ અને મોહમ્મદ ગાઝામાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા જઈ રહ્યા હતા, આ વચ્ચે ત્રણેય હવાઈ હુમલાની ઝપેટમાં આવી ગયા હતા.
7 ઓક્ટોબરે શું થયું હતું?
તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબર 2023થી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારબાદ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 1200 લોકો માર્યા ગયા. હમાસે 250 નાગરિકોને બંધક પણ બનાવ્યા હતા. દાવો કરવામાં આવે છે કે 150 બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. હમાસનો દાવો છે કે ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 39 હજારથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે તેણે આ ઓપરેશનમાં હમાસ અને તેના સહયોગીઓના 14 હજારથી વધુ લડવૈયાઓને માર્યા છે.
ADVERTISEMENT