ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી કેતકી દવેના પતિ અને મહાભારતમાં નંદનું પાત્ર ભજવનાર રસિક દવેનું 65 વર્ષની વયે અવસાન થયું છે. રસિક દવે છેલ્લા 2 વર્ષથી ડાયાલીસીસ પર હતા અને શુક્રવારે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
ADVERTISEMENT
છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.
રસિક દવે લગભગ 2 વર્ષથી ડાયાલિસિસ પર હતા અને અઠવાડિયામાં લગભગ 3 વખત તેમને હોસ્પિટલમાં જવું પડતું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની કિડનીની બીમારીમાં સતત વધારો થઇ રહ્યો હતો.
રસિક દવેએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 1982માં ગુજરાતી ફિલ્મ ‘પુત્રવધુ’થી કરી હતી. તેમણે ગુજરાતી-હિન્દી બંને ભાષામાં કામ કર્યું છે. રસિક દવેના લગ્ન ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ફેમ અભિનેત્રી કેતકી દવે સાથે થયા હતા. કેતકી અને રસિકની જોડી રિયાલિટી શો ‘નચ બલિયે’માં પણ જોવા મળી હતી. કેતકીની માતા સરિતા જોશી પણ એક પ્રખ્યાત અભિનેત્રી છે અને તેના પિતા (સ્વર્ગસ્થ) પ્રવીણ જોશી થિયેટર દિગ્દર્શક હતા. તેણીની એક નાની બહેન પુરબી જોશી છે જે અભિનેત્રી અને એન્કર પણ છે. રસિક અને કેતકી દવે એક ગુજરાતી થિયેટર કંપની પણ ચલાવતા હતા. કેતકી અને રસિકને બે બાળકો છે – રિદ્ધિ અને અભિષેક. રિદ્ધિ દવે પણ એક અભિનેત્રી છે.
રસિક દવે ‘મહાભારત’ના તેમના પાત્ર ‘નંદ’ માટે જાણીતા હતા. જો કે, આ સિવાય, તે ‘સંસ્કાર ધરોહર અપનો કી’, ‘CID’, ‘ક્રિષ્ના’ જેવા ઘણા લોકપ્રિય ટીવી શોનો ભાગ રહી ચૂક્યો છે. દૂરદર્શન પર પ્રસારિત થતી પ્રખ્યાત ટીવી ડિટેક્ટીવ શ્રેણી વ્યોમકેશ બક્ષીમાં તેઓ દેખાયા હતા. આ ઉપરાંત તેમણે અનેક ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો અને ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.રસિક દવેએ બોલિવૂડ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો. ફલક, કસમ, દિલ, હોગી પ્યાર કી જીત, મન, આમદની અઠ્ઠની ખરચા રૂપિયા, કિતને દૂર કિતને પાસ, કલ હો ના હો, પરવાના, આઈ હેટ લવ સ્ટોરીઝ, સનમ રે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
ADVERTISEMENT