નવી દિલ્હી : ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે, સરકારના ઈરાદામાં ખામી છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર એમએસપી માટે ફોર્મ્યુલા નક્કી કરે એટલે કે 23 પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરે અને તેની માટેની ફોર્મ્યુલા પણ નક્કી કરે. સરકારની દરખાસ્તથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી.
ADVERTISEMENT
પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. દરમિયાન સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ખેડૂતોએ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે.
સરકારના ઇરાદામાં જ ખામી છે
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે, સરકારના ઈરાદામાં ખામી છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર એમએસપી માટે ફોર્મ્યુલા નક્કી કરે એટલે કે 23 પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ. સરકારની દરખાસ્તથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી.
દલ્લેવાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવમાં કોઈ સ્પષ્ટતા નથી. સરકારે કરેલી દરખાસ્તનું વજન કરીએ તો તેમાં કશું જ દેખાતું નથી. અમારી સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાનું પામ ઓઈલ ખરીદે છે, પરંતુ જો આ રકમ ખેતી માટે તેલીબિયાં માટે ફાળવવામાં આવી હોત તો ખેડૂતોને ઘણો ફાયદો થયો હોત. ખેડૂત નેતા પધેર કહે છે કે, અમે 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાના છીએ. હાલ સરકાર સાથે વધુ કોઈ બેઠક થશે નહીં. પરંતુ અમે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ.
દલ્લેવાલે કહ્યું કે, અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમારી માંગણીઓ સ્વીકારે અથવા અમને શાંતિથી દિલ્હીમાં બેસવા દે. અમે તમામ ખેડૂત ભાઈઓને હિંસા ન કરવા અપીલ કરીએ છીએ.
રવિવારે ચોથા રાઉન્ડની વાતચીત થઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થઈ હતી. આ બેઠકમાં કૃષિ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય હાજર હતા.
આ પહેલા કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે 8, 12 અને 15 ફેબ્રુઆરીએ પણ વાતચીત થઈ હતી. અત્યાર સુધીની બેઠકો અનિર્ણિત રહી છે. જોકે, રવિવારે મળેલી ચોથી બેઠકમાં સરકારે ખેડૂતોને નવો પ્રસ્તાવ અથવા તો 'ફોર્મ્યુલા' આપી છે.
ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સરકારે આપેલી દરખાસ્તને તોલવામાં આવે તો તેમાં કશું જ નથી. સરકારની આ દરખાસ્ત અંગે સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત આગેવાનોએ બેઠક યોજી હતી.
શું છે ખેડૂતોની માંગ?
ખેડૂતોની સૌથી મોટી માંગ MSP પર કાનૂની ગેરંટી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે MSP પર કાયદો લાવવો જોઈએ. ખેડૂતો એમએસપી પર સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની પણ માંગ કરી રહ્યા છે.
ખેડૂત સંગઠનોનો દાવો છે કે સરકારે તેમને એમએસપીની ગેરંટી અંગે કાયદો લાવવાનું વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી આવું થયું નથી.
સ્વામીનાથન પંચે ખેડૂતોને તેમના પાકની કિંમત દોઢ ગણી ચૂકવવાની ભલામણ કરી હતી. પંચના અહેવાલને 18 વર્ષ વીતી ગયા છે, પરંતુ એમએસપી અંગેની ભલામણો હજુ સુધી લાગુ કરવામાં આવી નથી. અને ખેડૂતોના વારંવારના આંદોલનનું આ પણ એક મોટું કારણ છે.
આ ઉપરાંત ખેડૂતો પેન્શન, લોન માફી, વીજળીના દરમાં કોઈ વધારો નહીં કરવા અને લખીમપુર ખેરી હિંસાનો ભોગ બનેલા ખેડૂતો પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાની પણ માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT