- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ ICJ એ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો
- ઈઝરાયલને એક મહિનામાં આ મામલે રિપોર્ટ આપવા માટે કહ્યું
- ઈઝરાયલે નરસંહારના આરોપોને ફગાવી દીધા છે અને કોર્ટને આ આરોપોને રદ કરવા જણાવ્યું
Israel-Hamas war: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. ઈન્ટરનેશનલ કોર્ટે ઇઝરાયેલને ગાઝા પટ્ટીમાં તેના હુમલાથી થયેલા મૃત્યુ અને નુકસાનનો સંપૂર્ણ હિસાબ આપવા અને કોઈપણ ગંભીર ઈજા અથવા નુકસાનને રોકવા માટે કહ્યું છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, ઈઝરાયેલ એ સુનિશ્ચિત કરે કે તેના દળો ગાઝામાં નરસંહાર ન કરે અને ત્યાંની માનવતાવાદી પરિસ્થિતિને સુધારવા માટે સુધારાત્મક પગલાં ભરે. આ સાથે જ કોર્ટે ઈઝરાયલને એક મહિનામાં આ મામલે રિપોર્ટ આપવા માટે કહ્યું છે.
ADVERTISEMENT
ઈન્ટરનેશનલ કોર્ટે શું કહ્યું?
સાઉથ આફ્રિકાએ ઇઝરાયેલ પર ગાઝા પટ્ટીમાં નરસંહારનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે પોતાના નિર્ણયમાં આ આદેશ આપ્યો છે. સાઉથ આફ્રિકાએ કોર્ટને વિનંતી કરી હતી કે શક્ય તેટલી વહેલી તકે ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહીને સમાપ્ત કરવાનો આદેશ આપવામાં આવે. ICJ પ્રમુખે કહ્યું કે, કોર્ટ ગાઝામાં થઈ રહેલી માનવીય દુર્ઘટનાના નુકસાનથી વાકેફ છે અને ગાઝામાં માર્યા ગયેલા લોકો અંગે ચિંતિત છે.
ICJના નિર્ણય પર ઈઝરાયેલના PMએ શું કહ્યું?
ICJના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ નરસંહારના મામલાને વાંધાજનક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ઈઝરાયેલ તેની સુરક્ષા માટે તમામ સંભવિત પગલાં લેવાનું ચાલુ રાખશે. આ પહેલા કોર્ટમાં સુનાવણી દરમિયાન સાઉથ આફ્રિકાએ કહ્યું હતું કે, ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી નરસંહાર સંમેલનનું ઉલ્લંઘન કરે છે. દક્ષિણ આફ્રિકાએ કહ્યું કે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલો થયો ત્યારથી ઈઝરાયેલે ગાઝા પર તબાહી મચાવી છે. જોકે, ઈઝરાયલે નરસંહારના આરોપોને ફગાવી દીધા છે અને કોર્ટને આ આરોપોને રદ કરવા જણાવ્યું છે.
ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ કેવી રીતે શરૂ થયું?
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઈઝરાયેલ પર પાંચ હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. આ પછી ઈઝરાયલે યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. હમાસનો દાવો છે કે ઈઝરાયેલના હુમલામાં 25 હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. જ્યારે હમાસની કસ્ટડીમાં હજુ પણ સેંકડો ઇઝરાયેલના નાગરિકો બંધક છે.
ADVERTISEMENT