Garam Masala Testing: વિદેશમાં ભારતની જાણીતી મસાલા કંપનીઓ સામે પ્રતિબંધની કાર્યવાહી બાદ ફરી એકવાર મસાલા બ્રાન્ડ ચર્ચામાં આવી છે. આ વખતે રાજસ્થાનમાં મસાલા કંપનીઓના સેમ્પલ ટેસ્ટમાં ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. જે બાદ રાજસ્થાનના મેડિકલ અને હેલ્થ મિનિસ્ટર ગજેન્દ્ર સિંહ ખીંવસરે આ કંપનીઓ સામે ઈન્ડિયન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને આ અસુરક્ષિત મસાલાઓને તાત્કાલિક અસરથી જપ્ત કરવા સૂચના આપી છે.
ADVERTISEMENT
મસાલામાં મળી જંતુનાશકોની વધુ માત્રા
આ અંગે રાજસ્થાનના મેડિકલ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી શુભ્રા સિંહે જણાવ્યું હતું કે 8 મેના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં મસાલાના સેમ્પલ લેવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યભરની જાણીતી કંપનીઓ સહિત વિવિધ કંપનીઓના મસાલાના કુલ 93 નમૂના લેવામાં આવ્યા હતા. સ્ટેટ સેન્ટ્રલ પબ્લિક હેલ્થ લેબોરેટરીના તપાસ રિપોર્ટ મુજબ કેટલાક સેમ્પલમાં પેસ્ટીસાઈડ અને ઈન્સેક્ટિસાઈડનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યું હતું.
કાર્યવાહી માટે ભારત સરકારને પત્ર લખ્યો
શુભ્રા સિંહે કહ્યું કે તેમણે રાજ્યના મુખ્ય ચિકિત્સક અને આરોગ્ય અધિકારીઓને પત્ર લખ્યો છે અને તેમને અસુરક્ષિત મસાલા જપ્ત કરવા સૂચના આપી છે. ઉપરાંત, MDH મસાલાનું ઉત્પાદન એકમ હરિયાણામાં હોવાથી અને એવરેસ્ટ અને ગજાનંદ મસાલાના ઉત્પાદન એકમો ગુજરાતમાં હોવાથી ત્યાંના ફૂડ સેફ્ટી કમિશનરોને કાર્યવાહી માટે પત્ર લખવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મામલામાં કાર્યવાહી કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, નવી દિલ્હીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને પણ પત્ર લખવામાં આવ્યો છે.
કયા-કયા મસાલાની તપાસ કરાઈ?
ફૂડ સેફ્ટી કમિશનર ઈકબાલ ખાને કહ્યું કે, તપાસ દરમિયાન MDH, એવરેસ્ટ, ગજાનંદ, શીબા તાજ જેવી જાણીતી કંપનીઓના મસાલા અસુરક્ષિત જણાયા છે. MDH કંપનીના ગરમ મસાલામાં એસિટામિપ્રિડ, થિયામેથોક્સામ, ઈમિડાક્લોપ્રિડ, સબ્જી મસાલા અને ચણા મસાલામાં ટ્રાઈસાઇલાઝોન, પ્રોફિનોફોસ, શીબા તાજા કંપનીના રાયતા મસાલામાં થિયામેથોક્સામ અને એસિટામિપ્રિડ, ગજાનંદ કંપનીના આચાર મસાલામાં ઈથિઓન અને અવરેસ્ટ કંપનીના જીરા મસાલામાં એજોક્સીસ્ટ્રોબિન અને થિયામેથોક્સામ પેસ્ટીસાઈડ/ઈનકેસ્ટીસાઈડ નિર્ધારિત માત્રા કરતાં વધુ મળી આવ્યા હતા, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
અન્ય મસાલાના સેમ્પલ પણ લેવામાં આવશે
ઈકબાલ ખાને કહ્યું કે, આ કંપનીઓના અન્ય મસાલા અને અસુરક્ષિત બેચ સિવાય અન્ય બેચના સેમ્પલ પણ લેવામાં આવશે. મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારીઓને તાત્કાલિક અસરથી ઉત્પાદકો, C&F, વિતરકો અને જથ્થાબંધ વેપારીઓ પાસેથી આ બ્રાન્ડના મસાલાના સંબંધિત લોટ અથવા બેચ જપ્ત કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આ બ્રાન્ડના અન્ય મસાલા અને મસાલાના પાઉડરના સેમ્પલ લેવાની પણ સૂચના આપવામાં આવી છે. આ માટે હરિયાણા અને ગુજરાતના ફૂડ સેફ્ટી કમિશનરને પણ પત્ર લખવામાં આવ્યો છે.
ADVERTISEMENT