બેંગલુરુ/મુંબઈ: ભારતની સિલિકોન વેલી બેંગલુરુમાં મંગળવારે જી-20 નાણા અને કેન્દ્રીય બેન્કોના પ્રતિનિધિઓ (એફસીબીડી)ની પહેલી બેઠક શરૂ થઇ હતી. ત્રણ દિવસની બેઠક નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્ક તરફથી સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહી છે. તે ભારતની જી-20 અધ્યક્ષતા અંતર્ગત ફાયનાન્સ ટ્રેક એજન્ડા પર કેન્દ્રિત છે. નાણા તેમજ કેન્દ્રીય બેન્કોના પ્રતિનિધિઓએ વૈશ્વિક અર્થવ્યવસ્થા સહિત કેટલાય નાણાકીય મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. બેઠકમાં જી-20 સભ્યો સહિત આમંત્રિત દેશના 180થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ADVERTISEMENT
પ્રથમ દિવસે 4 એજન્ડા પર ચર્ચા
આ બેઠકના પ્રથમ દિવસે કુલ ચાર સત્ર આયોજિત થયા જેમાં પ્રમુખ રીતે ચાર એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. પહેલા દિવસે વૈશ્વિક અર્થવ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય વિત્તીય સંરચના, આધારભૂત સંરચના અને સસ્ટેનેબલ ફાયનાન્સના એજન્ડા પર વિસ્તૃત ચર્ચા થઇ હતી. ભારતની અધ્યક્ષતામાં ફાયનાન્સ ટ્રેકની આ પ્રથમ બેઠક છે, જેમાં વૈશ્વિક રીતે વ્યાપક આર્થિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જી-20ના સભ્યો સહિત વિશ્વભરના 180થી વધુ પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. આ બેઠક બાદ નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરોની પહેલી બેઠક 23-25 ફેબ્રુઆરી, 2023 દરમિયાન બેંગલુરુમાં આયોજિત કરવામાં આવશે. જી-20 દેશના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરોના નેતૃત્વમાં જી-20 ટ્રેક આર્થિક અને નાણાકીય બાબતો પર કેન્દ્રિત છે. તે વૈશ્વિક આર્થિક સંવાદ અને નીતિ સમન્વય માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિકાસનો લાભ સાર્વભૌમિક અને સર્વ સમાવેશી હોવો જોઈએ. નાણા મંત્રાલય તે બાબત પર ભાર આપી રહ્યું છે. તેના પર ફોકસ કરીને નાણા મંત્રાલયે આ વિચારને જી-20 વિત્ત ટ્રેક એજન્ડામાં સામેલ કર્યો છે.
મુંબઈમાં પણ ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક
મંગળવારે મુંબઈમાં પ્રથમ ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક દરમિયાન ‘ડેટા ફોર ડેવલપમેન્ટ: 2030 એજન્ડાને આગળ વધારવામાં G20ની ભૂમિકા’ થીમ પરનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ભારતના G20 શેરપા અમિતાભ કાંતે કહ્યું કે ભારત સરકારે ડેટા ગવર્નન્સ સારું કરવાનોપ્રયાસ કર્યો છે અને ડેટા ગવર્નન્સ ક્વોલિટી ઈન્ડેક્સ જેવી અનેક પહેલ હાથ ધરી છે. તેમણે કહ્યું કે, ઓછા વિકસિત અને વિકાસશીલ દેશો ડેટા અને સુશાસનના ઉપયોગ વિના ક્યારેય ટેકનોલોજીની રીતે આગળ વધી શકશે નહીં. ડેટા વિશ્વભરના લોકો માટે સુલભ હોવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. શેરપા કાંતે કહ્યું કે, G20 એ ભૂતકાળમાં એવા સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે જ્યારે આર્થિક વૃદ્ધિ અને નાણાકીય પ્રગતિને અસર થઈ છે. તેમણે કહ્યું, G20ના ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ ભારે ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. કાંતે કહ્યું કે ભારતે એવા સમયે G20 નું પ્રમુખપદ સંભાળ્યું છે જ્યારે વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડી છે, ફુગાવો વધી રહ્યો છે, કોવિડને કારણે મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખા નીચે આવી રહ્યા છે અને વૈશ્વિક દેવાનું સંકટ છે. માત્ર દેશો પરિવર્તન લાવી શકશે નહી તેના માટે વ્યક્તિગત અને સામૂહિક વ્યવહારમાં ફેરફાર લાવવો પડશે જે પરીવર્તન લાવશે.
અમારો ઉદ્દેશ્ય નવીનતાને ઉત્પ્રેરિત કરવાનોઃ રાજીવ ચંદ્રશેખ
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ વીડિયો સંદેશ દ્વારા પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે, ભારત સરકાર આ મહિનાના અંત સુધીમાં નેશનલ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક પોલિસી હેઠળ નાગરિકોની વ્યક્તિગત માહિતી ધરાવતો અનામી ડેટાબેઝ એકત્રિત કરવા માટે તૈયાર છે. અમારો ઉદ્દેશ્ય નવીનતાને ઉત્પ્રેરિત કરવાનો અને વધુ અસરકારક નીતિ અને વ્યવહારુ ઉકેલો બનાવવાનો છે.
ઈન્ફોસિસના સહ સ્થાપક નંદન નીલેકણીએ શું કહ્યું?
‘ડેટા ફોર ડેવલપમેન્ટ’ પર પ્રથમ ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપની મીટિંગમાં આ પ્રસંગે બોલતા, ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીએ જણાવ્યું હતું કે, ભારત તેની વસ્તી સ્કેલ સિસ્ટમ્સના ડેટા દ્વારા દેશના વિકાસને ઝીણવટ પુર્વક ટ્રેક કરવા માટે સક્ષમ છે. ભારતમાં, આપણી પાસે મોટી સંખ્યામાં વસ્તી માપન પ્રણાલીઓ છે જે ડેટાનો ભંડાર પેદા કરી રહી છે.
ADVERTISEMENT