Train Accident: તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે. મદુરાઈમાં રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, લખનૌથી રામેશ્વરમ જતી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી 9 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની ઘટના સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડ જંક્શન પર ટ્રેનને રોકવામાં આવી હતી ત્યારે તેની જાણ થઈ હતી. રેલવેના જણાવ્યા અનુસાર કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને ગેરકાયદેસર રીતે કોચમાં પ્રવેશ્યા હતા. રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર 9360552608 અને 8015681915 જારી કરવામાં આવ્યો છે. મૃતકોના પરિજનોને 10 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
ખબર છે કે ટ્રેનના પ્રાઈવેટ કોચમાં લખનઉથી 65 પેસેન્જરને હતા. આજે સવારે 3.47 વાગ્યે ટ્રેન મદુરાઈ પહોંચી. બુક કરાયેલા કોચને પાર્ક કરવામાં આવ્યો હતો અને તેમાં સવાર કેટલાક પેસેન્જરોએ ચા-નાશ્તો તૈયાર કરવા માટે ગેરકાયદેસર રીતે લાવેલા રસોઈ સિલિન્ડરનો ઉપયોગ કરવા લાગ્યો. આ કારણે કોચમાં આગ લાગી ગઈ. આગ સમયે મોટા ભાગના પેસેન્જરો બહાર નીકળી ગયા હતા. અન્ય કોઈ કોચને નુકસાન થયું નથી.
આગનો વીડિયો સામે આવ્યો છે
આગનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે કોચમાં ભીષણ આગ લાગી છે અને આસપાસ કેટલાક લોકો બૂમો પાડી રહ્યા છે.આ દરમિયાન બાજુના રેલવે ટ્રેક પરથી એક ટ્રેન પણ પસાર થઈ રહી છે. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન ટ્રેનનો કોચ ખરાબ રીતે સળગી ગયેલો જોવા મળે છે.
રેલવેએ જણાવ્યું કે લોકોએ ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લીધા હતા, જેના કારણે આગ લાગી હતી. રેલ્વે નિયમો અનુસાર, રેલ્વે કોચની અંદર કોઈપણ જ્વલનશીલ સામગ્રી લઈ જવા પર સખત પ્રતિબંધ છે. જે કોચમાં આગ લાગી તે પ્રાઈવેટ કોચ હતો.
ગેરકાયદેસર રીતે સિલિન્ડર લાવવામાં આવ્યા હતા
રેલવેના જણાવ્યા અનુસાર, સ્ટેશન ઓફિસર દ્વારા 26.8.23ના રોજ સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં એક ખાનગી પાર્ટીના કોચમાં આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ફાયર સર્વિસને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટેન્ડર 5.45 વાગ્યે અહીં પહોંચ્યા હતા. 7.15 વાગ્યે આગ બુઝાવી દેવામાં આવી હતી. અન્ય કોચને કોઈ નુકસાન નથી. આ એક પ્રાઈવેટ પાર્ટી કોચ છે જે ગઈકાલે નાગરકોઈલ જંક્શન ખાતે ઉમેરવામાં આવ્યો હતો. પાર્ટીના કોચને અલગ કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઇન પર રાખવામાં આવ્યા છે.
પ્રાઈવેટ પાર્ટીના કોચમાં મુસાફરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈ જતા હતા અને તેના કારણે આગ લાગી હતી. આગની જાણ થતા ઘણા મુસાફરો કોચમાંથી બહાર નીકળી ગયા હતા. કેટલાક મુસાફરો પ્લેટફોર્મ પર જ નીચે ઉતરી ગયા હતા. તમને જણાવી દઈએ કે IRCTC પોર્ટલનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ પાર્ટી કોચ બુક કરાવી શકે છે. તેમને ગેસ સિલિન્ડર જેવી કોઈપણ જ્વલનશીલ સામગ્રી લઈ જવાની મંજૂરી નથી.
ADVERTISEMENT