12 કલાકમાં બીજી ઘટનાઃ હવે ઈટાવા પાસે વૈશાલી એક્સપ્રેસમાં આગ લાગતા અફરાતફરી, 19 મુસાફરો દાઝ્યા

Fire In Train: ઉત્તર પ્રદેશના ઈટાવા પાસે 12 કલાકમાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં વૈશાલી એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગતા 19 મુસાફરો દાઝી ગયા…

gujarattak
follow google news

Fire In Train: ઉત્તર પ્રદેશના ઈટાવા પાસે 12 કલાકમાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં વૈશાલી એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગતા 19 મુસાફરો દાઝી ગયા છે. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

ઈટાવા પાસે સર્જાઈ દુર્ઘટના

મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના ઈટાવા પાસે દિલ્હીથી સહરસા જઈ રહેલી વૈશાલી એક્સપ્રેસ ટ્રેન નંબર 12554માં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટના પેન્ટ્રી કારની નજીક S6 કોચમાં બની હતી, જેમાં 19 મુસાફરોને અસર થઈ હતી.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

મળતી માહિતી મુજબ, આગની ઘટના બાદ 11 મુસાફરોને સૈફઈ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે આઠ મુસાફરો ડો. ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગ લાગવા પાછળનું કારણ અકબંધ

ટ્રેનના S6 કોચમાં આગ કેવી રીતે લાગી, તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન ઈટાવા રેલવે સ્ટેશનના ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારના મૈનપુરી આઉટર ફાટક પર પહોંચી હતી. હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

બુધવારે સાંજે પણ સર્જાઈ હતી દુર્ઘટના

તમને જણાવી દઈએ કે, આ પહેલા બુધવારે સાંજે દિલ્હીથી દરભંગા જઈ રહેલી ટ્રેનની ત્રણ બોગીમાં આગ લાગી હતી.જેમાં એક સ્લીપર કોચ અને બે જનરલ બોગીનો સમાવેશ થાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. આગને કાબૂમાં લીધા બાદ ત્રણ બળી ગયેલી બોગીને ટ્રેનમાંથી અલગ કરવામાં આવી હતી, ત્યારબાદ ટ્રેનના અન્ય કોચમાં મુસાફરોને બેસાડીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

 

    follow whatsapp