ED Raid in Bengal: પશ્ચિમ બંગાળમાં EDની ટીમ પર થયેલા હુમલા બાદ તપાસ એજન્સી ફરી એકવાર એક્શન મોડમાં આવી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે આજે વહેલી સવારે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારના બે મંત્રીઓના ઘરે દરોડા પાડ્યા છે. બંનેના ઘરે તપાસ ચાલી રહી છે. આ દરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી કૌભાંડ સાથે સંબંધિત છે.
મમતા સરકારના મંત્રીઓ પર તવાઈ
EDની એક ટીમ અગ્નિશમન સેવા મંત્રી સુજીત બોઝના બે ઠેકાણાઓ પર પહોંચી છે, જ્યારે બીજી ટીમ મંત્રી તાપસ રૉયના નિવાસ સ્થાને પહોંચી છે. એટલું જ નહીં, આ બે મંત્રીઓ સિવાય પાલિકાના પૂર્વ ઉપપ્રમુખના ઘરે પણ EDના અધિકારીઓ તાપસ કરી રહ્યા છે.
તાજેતરમાં જ થયો હતો અધિકારીઓ પર હુમલો
તમને જણાવી દઈએ કે, EDની ટીમ તાજેતરમાં જ રાશન કૌભાંડ કેસમાં TMC નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે પશ્ચિમ બંગાળના સંદેશખલી પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિકોના ટોળાએ ટીમ પર હુમલો કર્યો હતો. ટોળાએ EDના અધિકારીઓની સાથે CRPF જવાનોના વાહનોને પણ નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં EDના ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
રાહુલ નવીને કોલકાતામાં કરી હતી બેઠક
પશ્ચિમ બંગાળમાં EDના અધિકારીઓ પર થયેલા હુમલા બાદ તપાસ એજન્સીના કાર્યકારી નિર્દેશક રાહુલ નવીન કોલકાતા પહોંચ્યા હતા. તેઓએ અધિકારીઓની સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેમણે અધિકારીઓને કહ્યું હતું કે ડરશો નહીં, નિડર થઈને તપાસ કરો. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDના કાર્યકારી નિર્દેશકે અધિકારીઓને NIA સાથે મળીને કામ કરવા માટે પણ કહ્યું હતું, જેથી શાહજહાં શેખના બાંગ્લાદેશ સાથે સરહદ પારના સંબંધોની તપાસ કરી શકાય.