ED attaches Shilpa Shetty husband Raj Kundras Property : શિલ્પા શેટ્ટીના પતિ, બિઝનેસમેન અને એક્ટર રાજ કુન્દ્રા ફરી એકવાર મોટી મુશ્કેલીમાં ફસાયા છે. ઈડીએ બિટકોઈન ફ્રોડ કેસમાં તેમની સામે કાર્યવાહી કરી છે. ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ રાજ કુન્દ્રાની રૂ. 98 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં જુહુમાં એક ફ્લેટ અને પુણેમાં એક બંગલો પણ સામેલ છે. આ પહેલા રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીના કેસમાં ફસાયા હતા, જેમાં તેમને જેલમાં પણ રહેવું પડ્યું હતું. જોકે, બાદમાં રાજ કુન્દ્રાને જામીન મળી ગયા હતા.
ADVERTISEMENT
ઈક્વિટી શેર પણ કરવામાં આવ્યા જપ્ત
EDએ ટ્વીટ કર્યું કે, રિપુ સુદન કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રાની લગભગ 97.79 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે. PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ, રાજ કુન્દ્રાની આ મિલકત જપ્ત કરવામાં આવી છે. આમાં જુહુ ખાતે આવેલો ફ્લેટ પણ સામેલ છે, જે હાલમાં રાજ કુન્દ્રાની પત્ની શિલ્પા શેટ્ટીના નામે છે. રાજ કુન્દ્રાના નામે જે ઈક્વિટી શેર છે, તે પણ જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે હાલમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સી અને બિટકોઈન દ્વારા બિઝનેસ કરવો ગેરકાયદેસર છે. પરંતુ રાજ કુન્દ્રાએ કથિત રીતે બિટકોઈન દ્વારા બિઝનેસ કર્યો હતો અને તેની લેવડ-દેવડમાં ગફલો કર્યો હતો.
આ પણ વાંચોઃ 'આ શખ્સનું સરનામું જણાવો અને 2 કરોડ લઈ જાવ', ગુજરાતી યુવકને અમેરિકાએ કેમ જાહેર કર્યો મોસ્ટ વોન્ટેડ
2018માં પણ થઈ ચૂકી છે પૂછપરછ
આ પહેલા વર્ષ 2018માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 2000 કરોડ રૂપિયાના બિટકોઈન કૌભાંડ કેસમાં રાજ કુન્દ્રાની પૂછપરછ કરી હતી. ત્યારે EDના અધિકારીએ જણાવ્યું હતું કે, થાણે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા કેસ મામલે રાજ કુન્દ્રાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે અધિકારીએ કહ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની આ કૌભાંડમાં કોઈ ભૂમિકા છે કે પછી તેઓ પીડિત છે. પરંતુ હવે જે રીતે પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે તેનાથી રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી શકે છે.
ADVERTISEMENT