એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હીરો મોટોકોર્પના ચેરમેન પર આકરી કાર્યવાહી કરી છે. EDએ હીરો મોટોકોર્પ લિમિટેડના સીએમડી અને ચેરમેન પવનકાંત મુંજાલની દિલ્હી ખાતે આવેલી આશરે રૂ.24.95 કરોડની કિંમતની ત્રણ સ્થાવર મિલકતોને અસ્થાયી રૂપે જપ્ત કરી લીધી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કરવામાં આવી છે. ઈડીની આ કાર્યવાહી બાદ હીરો મોટોકોર્પના શેરમાં ઘટાડો શરૂ થઈ ગયો છે અને શેર 1.50 ટકા ઘટીને 3109.85 રૂપિયા પર આવી ગયો છે.
ADVERTISEMENT
પી.કે મુંજાલ અને અન્ય વિરુદ્ધ તપાસ
EDએ એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું છે કે, તેણે વિદેશી કરન્સી બહાર લઈ જવા માટે મેસર્સ હીરો મોટોકોર્પના ચેરમેન અને સીએમડી પીકે મુંજાલ અને અન્ય વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટ, 1962ની કલમ 135 હેઠળ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા દાખલ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામં આવી હતી.
પર્સનલ ખર્ચ માટે કર્યો ઉપયોગ
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આશરે 54 કરોડ રૂપિયા બરાબર વિદેશી કરન્સી ગેરકાયદેસર રીતે બહાર લઈ જવામાં આવી. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે પવનકાંત મુંજલે અન્ય વ્યક્તિઓના નામે વિદેશી કરન્સી જારી કરાવી હતી અને પછી તેનો ઉપયોગ વિદેશમાં પોતાના અંગત ખર્ચ માટે કર્યો હતો.
કેવી રીતે બહાર મોકલવામાં આવ્યા પૈસા?
એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા વિવિધ કર્મચારીઓના નામે અધિકૃત ડીલરો પાસેથી વિદેશી કરન્સી લેવામાં આવી અને તે બાદ પવનકાંત મુંજાલના રિલેશનશિપ મેનેજરને સોંપવામાં આવી. પવનકાંત મુંજાલની પર્સનલ અને બિઝનેસ ટ્રિપ દરમિયાન તેમના પર્સનલ ખર્ચ માટે વિદેશી કરન્સી રોકડ અથવા કાર્ડ દ્વારા રિલેશનશિપ મેનેજર ગુપ્ત રીતે લઈ જતા હતા.
ઓગસ્ટમાં પાડ્યા હતા દરોડા
EDએ પહેલા પી.કે મુંજાલ અને સંબંધિત સંસ્થાઓ પર 1 ઓગસ્ટ, 2023ના દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ડિજિટલ પુરાવા અને અન્ય આપત્તિજનક પુરાવાઓની સાથે 25 કરોડ રૂપિયાની કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. જેની કુલ કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા હતી. આ મામલે EDની તપાસ હજુ ચાલુ છે.
ADVERTISEMENT