West Bengal Attack On ED Team: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના (TMC) એક નેતાના ઘરે દરોડા પાડવા ગયેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. EDની ટીમ જ્યારે દરોડા પાડવા આવી ત્યારે લગભગ 200 ગ્રામવાસીઓએ ટીમને ઘેરી લીધી અને તેમના વાહનોમાં તોડફોડ કરી હતી.
ADVERTISEMENT
ગામ લોકોએ અચાનક ટીમ પર હુમલો કર્યો
ED ટીમ પર હુમલાનો આ મામલો ઉત્તર 24 પરગણાનો છે. અહીં તપાસ એજન્સીની ટીમ રાશન કૌભાંડમાં દરોડા પાડવા ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે પહોંચી હતી. આ દરમિયાન લગભગ 200 લોકોના ટોળાએ EDની ટીમ પર અચાનક હુમલો કર્યો. આ લોકોએ ટીમની સાથે રહેલા કેન્દ્રીય સુરક્ષા દળોના વાહનોને પણ નિશાન બનાવ્યા હતા. જે વાહનોમાં ટીમ દરોડા માટે આવી હતી તે વાહનોમાં ટોળાએ તોડફોડ કરી હતી.
રાશન વિતરણ કૌભાંડ મામલે ચાલી રહી છે EDની તપાસ
કથિત રાશન વિતરણ કૌભાંડના સંબંધમાં પશ્ચિમ બંગાળમાં EDના દરોડા ઘણા મહિનાઓથી ચાલુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અગાઉ જાહેર કર્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં લાભાર્થીઓ માટે જાહેર વિતરણ પ્રણાલી (PDS) રેશનનો લગભગ 30 ટકા ખુલ્લા બજારમાં મોકલવામાં આવ્યો હતો. તપાસ એજન્સીએ કહ્યું હતું કે રાશનની કથિત ચોરી બાદ મળેલા પૈસા મિલ માલિકો અને પીડીએસ વિતરકો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા.
ખેડૂતોના નકલી ખાતા ખોલીને MSP ચૂકવી દેવાઈ
રાઈસ મિલ માલિકોએ કેટલીક સહકારી મંડળીઓ સહિત કેટલાક લોકો સાથે મળીને ખેડૂતોના નકલી બેંક ખાતા ખોલાવ્યા અને ડાંગર ઉત્પાદકોને ચૂકવવામાં આવતી MSP ખિસ્સામાં ભરી લીધી. મુખ્ય શંકાસ્પદ પૈકીના એકે કબૂલ્યું હતું કે ચોખાના મિલ માલિકોએ પ્રતિ ક્વિન્ટલ રૂ. 200 જેટલી કમાણી કરી હતી.
અગાઉ પશ્ચિમ બંગળાના મંત્રીના ઘરે દરોડા પડ્યા હતા
આ પહેલા EDએ રાશન કૌભાંડ કેસમાં બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકના ઘરે પણ દરોડા પાડ્યા હતા. વન મંત્રી બનતા પહેલા જ્યોતિપ્રિયા મલિકે ખાદ્ય મંત્રીનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કથિત કૌભાંડમાં રાઇસ મિલ માલિક બકીબુર રહેમાનની ધરપકડ કરી હતી. 2004માં રાઇસ મિલના માલિક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર રહેમાને આગામી બે વર્ષમાં વધુ ત્રણ કંપનીઓની સ્થાપના કરી. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, રહેમાને કથિત રીતે શેલ કંપનીઓ ખોલી હતી અને પૈસા ઉપાડી લીધા હતા.
મમતા બેનર્જીના ભત્રીજાની પણ કરાઈ રહી છે પૂછપરછ
તમને જણાવી દઈએ કે અગાઉ પણ ટીએમસી નેતાઓ પર EDના દરોડા પડી રહ્યા છે. તપાસ એજન્સીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની પણ ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં પૂછપરછ કરી છે. બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જી અને તેમની સહાયક અર્પિતા મુખર્જીની પણ 2022માં શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT