Dawood Ibrahim: મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે કોઈ પુષ્ટિ જાણકારી સામે આવી નથી.
ADVERTISEMENT
કરાચીની હોસ્પિટલમાં દાખલ
વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને ઝેર આપ્યું છે. જેના કારણે દાઉદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
હોસ્પિટલમાં ગોઠવવામાં આવ્યો છે કડક બંદોબસ્ત
દાઉદની ગેંગના પૂર્વ સભ્યએ પુષ્ટિ કરતા જણાવ્યું છે કે દાઉદ ગંભીર બીમારીને કારણે કરાચીની હોસ્પિટલમાં દાખલ છે, તેને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે અને જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો છે ત્યાં કોઈને જવાની મંજૂરી નથી. માત્ર ઉચ્ચ અધિકારીઓ અને પરિવારના નજીકના લોકો જ ત્યાં જઈ શકશે.
હજુ સુધી થઈ નથી કોઈ પુષ્ટિ
ઝેર વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસ અધિકારીઓ દાઉદના નજીકના સંબંધીઓ (ભત્રીજા અલીશાહ પારકર અને સાજિદ વાગલે) પાસેથી પણ આ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પાકિસ્તાની મીડિયાએ પણ સોશિયલ મીડિયાનો આપ્યો હવાલો
જિયો ટીવી ન્યૂઝે પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ ચર્ચાઓને ટાંકીને કહ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને અફવાઓ ફેલાઈ રહી છે, જેને કથિત રીતે ગંભીર તબીબી સ્થિતિ બાદ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અપુષ્ટ રિપોર્ટમાં તેનું કારણ ઝેર હોવાનું કહેવાય છે.
ઘણી બીમારીઓથી પીડિતઃ દાવો
પાકિસ્તાની મીડિયા અનુસાર, હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કારણ કે પાકિસ્તાની અને ભારતીય અધિકારીઓએ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. એવી અટકળો છે કે દાઉદની અચાનક ખરાબ તબિયત પાછળ ઝેરનું કારણ હોઈ શકે છે. આ પહેલા પણ દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ ઘણી ગંભીર બીમારીઓથી ઝઝૂમી રહ્યો છે. તાજેતરમાં એવી ચર્ચા હતી કે ગેંગરીનને કારણે કરાચીની એક હોસ્પિટલમાં તેના બે અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT