Divya Pahuja Dead Body Recovered From Canal: પૂર્વ મૉડલ દિવ્યા પાહુજાનો મૃતદેહ ગુરુગ્રામ પોલીસને મળી ગયો છે. હરિયાણાના ફતેહાબાદ જિલ્લાની એક નહેરમાંથી દિવ્યાનો મૃતદેહ મળી આવ્યો છે, જેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હવે હત્યાના અનેક રાજ ખુલીને સામે આવશે. પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
2 જાન્યુઆરીએ થઈ હતી હત્યા
તમને જણાવી દઈએ કે, પૂર્વ મૉડલ અને ગેંગસ્ટર સંદીપ ગાડૌલીની ગર્લફ્રેન્ડ દિવ્યા પાહુજાની ગુરુગ્રામની હોટલમાં ગત 2 જાન્યુઆરીએ હત્યા કરવામાં આવી હતી. દિવ્યાને હોટલમાં બોલાવીને ગોળી મારવામાં આવી હતી, કારણ કે તે હોટલના માલિકને અશ્લીલ તસવીરો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરી રહી હતી.
સાથીદારોની સાથે મળીને હત્યા
વારંવાર પૈસા આપવા છતાં જ્યારે દિવ્યા પાહુજાએ ફોટા ડિલીટ ન કર્યા અને વધારે પૈસા માંગ્યા ત્યારે હોટલ માલિકે તેની હત્યા કરી નાખી. તેણે તેના સાથીદારોની સાથે મળીને મૃતદેહને ઠેકાણે લગાવી દીધો હતો. આરોપી દિવ્યાના મૃતદેહને BMW કારમાં લઈ ગયો હતો અને તેને કેનાલમાં ફેંકી દીધો હતો. જે બાદ કાર ત્યાં જ છોડી દીધી હતી, જે કારને પોલીસે પહેલાથી જ કબજે કરી લીધી હતી.
11 દિવસ બાદ મળ્યો મૃતદેહ
પોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યા પાહુજાનો મૃતદેહ 2 જાન્યુઆરીએ હત્યાના 11 દિવસ બાદ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહ વિશે કોઈપણ સંકેત આપનારને ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી, પરંતુ આ વચ્ચે એક હત્યારાને કોલકાતા એરપોર્ટથી પકડવામાં આવ્યો ત્યારે મૃતદેહ વિશે ખુલાસો થઈ ગયો. હવે મૃતદેહ મળી આવ્યો છે.
4 આરોપીઓની ધરપકડ
પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હોટલ માલિક અભિજીત સિંહ, હોટલકર્મી હેમરાજ, અભિજીતની ગર્લફ્રેન્ડ મેધા, બલરાજ ગિલની ધરપકડ કરી છે. જ્યારે રવિ બંગા ફરાર છે.