દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. હાઈકોર્ટે સુનિતા કેજરીવાલ સામે દિલ્હીની એક કોર્ટમાંથી જાહેર કરાયેલા સમન્સ પર સ્ટે મૂક્યો છે. બે મતદાર આઈડી (ચૂંટણીકાર્ડ) રાખવાના આરોપમાં કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું હતું.
ADVERTISEMENT
1 ફેબ્રુઆરી સુધી લગાવ્યો સ્ટે
જસ્ટિસ અમિત બંસલે 1 ફેબ્રુઆરી 2024 સુધી સમન્સ પર સ્ટે લગાવી દીધો છે. દિલ્હી ભાજપના નેતા હરીશ ખુરાના દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પર 29 ઓગસ્ટ 2023ના રોજ સમન્સ જારી કરવામાં આવ્યું હતું. હરીશ ખુરાનાએ આરોપ લગાવ્યો છે કે સુનિતા કેજરીવાલ બે અલગ-અલગ મતવિસ્તારોમાં મતદાર તરીકે રજિસ્ટર્ડ છે. તેમનું નામ ઉત્તર પ્રદેશના સાહિબાબાદ અને દિલ્હીના ચાંદની ચોકમાં મતદાર તરીકે નોંધાયેલું હતું. તેમણે કહ્યું કે, આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (Representation of the People’s Act)ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે.
કોર્ટે પાઠવ્યું હતું સમન્સ
તીસ હજારી કોર્ટમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સુનિતા કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદો અને સાક્ષીઓ પર વિચાર કર્યા પછી તેમને સમન્સ પાઠવ્યું હતું. સુનિતા કેજરીવાલને 18 નવેમ્બર 2023 સુધીમાં કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જે બાદ સમન્સને પડકારતાં સુનીતા કેજરીવાલે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
ખખડાવ્યો હતો હાઈકોર્ટનો દરવાજો
સુનિતા કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ રેબેકા જ્હોને હાઈકોર્ટમાં હાજર થતાં કહ્યું હતું કે RPA હેઠળ ગુનો ત્યારે જ બને છે જ્યારે કોઈ વ્યક્તિ ખોટી એફિડેવિટ ફાઇલ કરે છે. આ કેસમાં ખુરાનાએ રેકોર્ડમાં એવું કંઈપણ રાખ્યું નથી, જેનાથી જાણવા મળે કે તેમણે ખોટી જાહેરાત કરી.
ADVERTISEMENT