દિલ્હીના અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી રાજકુમાર આનંદના ઘરે EDએ પોતાની તપાસ પૂરી દીધી છે. દિલ્હીના કેબિનેટ મંત્રી રાજકુમાર આનંદના ઘરે સવારે લગભગ 4.15 વાગ્યે એન્ફર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે પોતાની તપાસ પૂર્ણ કરી. આ રીતે ઈડીની ટીમે લગભગ 21થી 22 કલાક સુધી રાજકુમાર આનંદના ઘરે તપાસ કરી અને ઘરની અંદરના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિત તમામ દસ્તાવેજોની તપાસ કરી. હાલમાં રાજકુમાર આનંદના ઘરેથી EDને શું-શું મળ્યું છે, તેની જાણકારી સામે આવી નથી. એવું માનવામાં આવે છે કે ED પ્રેસ કોન્ફરન્સ દ્વારા કાર્યવાહીની વિગતો જાહેર કરશે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે સવારે લગભગ સાડા છ વાગ્યે EDના અધિકારીઓ રાજકુમાર આનંદના ઘરે પહોંચ્યા હતા અને ત્યારથી લઈને આજ સવાર સુધી સર્ચ ઓપરેશન યથાવત રહ્યું.
ADVERTISEMENT
ગુરુવારે સવારે 6.30 વાગ્યે પડ્યા હતા દરોડા
વાસ્તવમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ સંબંધિત એક કેસની તપાસ અંતર્ગત દિલ્હીના કેબિનેટ મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાજકુમાર આનંદના નિવાસસ્થાન સહિત અન્ય કેટલાક સ્થળોએ ગુરુવારે દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલ મંત્રીના ઘર સહિત એક ડઝન સ્થળોએ સવારે 6.30 વાગ્યે દરોડાની કાર્યવાહી શરૂ થઈ હતી.આ દરમિયાન ઈડીની ટીમોની સાથે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની એક ટીમ પણ હતી. રાજકુમાર આનંદ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
EDના દરોડા પર મંત્રી રાજકુમાર આનંદે શું કહ્યું?
આ મામલે રાજકુમાર આનંદે કહ્યું કે, EDની ટીમે તપાસ કરી છે, રેડ તો લોકોને હેરાન કરવાનું એક બહાનું છે. એવું કંઈ ખાસ નહોતું, માત્ર ઘરમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં તેમને કંઈ મળ્યું નથી. બધું પ્રાયોજિત હતું. મને તો બસ એટલું જ કહેવામાં આવ્યું હતું કે તેમની પાસે ઉપરથી ઓર્ડર છે. તેમના દ્વારા અમને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા, જેની સાથે અમારે કોઈ લેવાદેવા ન હતો. મને લાગે છે કે આ દેશમાં સાચું બોલવું અને ગરીબો માટે રાજનીતિ કરવી એ પાપ છે. સાથે જ આમ આદમી પાર્ટીમાં રહેવું એક ગુનો બની ગયો છે.
EDની ટીમે શા માટે કરી કાર્યવાહી?
સૂત્રોએ જણાવ્યું હતું કે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ આંતરરાષ્ટ્રીય હવાલા લેવડદેવડ ઉપરાંત રૂ.7 કરોડથી વધુની કસ્ટમ્સ ડ્યુટી ચોરી માટે આયાત વિશેની ખોટી જાણકારી આપવા બદલ ચાર્જશીટ દાખલ કરી હતી. આ તપાસ આ ચાર્જશીટ સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે, એક સ્થાનિક કોર્ટે તાજેતરમાં ડીઆરઆઈ પ્રોસિક્યુશનની ફરિયાદની નોંધ લીધી હતી, જે બાદ ઈડીએ આનંદ અને અન્ય કેટલાક લોકો સામે પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો. કેજરીવાલ સરકારના મંત્રીના ઘરે EDના દરોડા 22 કલાક સુધી ચાલ્યા.
ADVERTISEMENT