નવી દિલ્હી: સોમવારની શરૂઆત એક સમાચાર સાથે થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે Cowin પોર્ટલ પર આપવામાં આવેલી વિગતો લીક થઈ ગઈ છે. જેમાં, ટેલિગ્રામના બોટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીને ટાંકવામાં આવી હતી. માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર કેટલાક વપરાશકર્તાઓએ દાવો કર્યો છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક છે. જો કે, આ પછી, એક સરકારી સૂત્રએ કહ્યું કે કોવિન પોર્ટલ જન્મ તારીખ અને ઘરનું સરનામું પણ માંગતુ નથી.
ADVERTISEMENT
ટેલિગ્રામના બોટ દ્વારા જાહેર કરવામાં આવતી માહિતીમાં નામ, સરનામું, વ્યક્તિગત મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને પાસપોર્ટ વિગતો વગેરેનો સમાવેશ થાય છે. આ વિગતો અંગે દાવો કરવામાં આવ્યો છે કે કોવિન વેક્સિન મેળવનાર લોકોની આ અંગત વિગતો છે. જો કે, ગુજરાત તક ટેલિગ્રામ પર બોટ્સ દ્વારા શેર કરેલી માહિતીની પુષ્ટિ કરતું નથી.
જાણો શું કહ્યું સરકારી સૂત્રએ ?
સરકારી સૂત્રોએ આ બાબતે સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે Cowin પોર્ટલ કોવિડ-19 વેકસીનેશન નોંધણીમાં જન્મતારીખ અને ઘરનું સરનામું વગેરે જેવી વ્યક્તિગત વિગતો એકત્રિત કરતું નથી.Cowin પોર્ટલ માત્ર યુઝર અંગે માહિતી સંગ્રહિત કરે છે કે શું તેઓએ પ્રથમ ડોઝ, બીજો ડોઝ અથવા સાવચેતીનો ડોઝ લીધો છે કે નહીં. વધુમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ લીકને લઈને વિગતવાર રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે. તેમજ આ માહિતીની પણ તપાસ કરવામાં આવી રહી છે.
TMC પ્રવક્તાનું ટ્વિટ આવ્યું સામે
TMC નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલે (@SaketGokhale) એ સોમવારે સવારે લગભગ 9 વાગ્યે એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે દાવો કર્યો હતો કે મોદી સરકારમાં મોટો ડેટા લીક થયો છે. તેમણે વધુમાં લખ્યું છે કે ભારતમાં કોવિન રસીકરણ કરાવનાર ભારતીયોના નામ, સરનામું, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ, પાસપોર્ટ નંબર, મતદાર આઈડી અને પરિવારના સભ્યો વગેરેની વિગતો લીક થઈ ગઈ છે.
એક નંબર સાથે 4 રજીસ્ટ્રેશન થઈ શકે છે
કોવિડને લડત આપવા માટે કોવિન વેકસીનેશન પહેલા, યુઝર્સ કોવિન પોર્ટલ અથવા વેકસીનેશન કેન્દ્રની મુલાકાત લઈને વેક્સિન મેળવી શકે છે. આ વેકસીનેશનનું પ્રમાણપત્ર પણ જાહેર કરવામાં આવ્યું હતું, જે કોવિન પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ પોર્ટલ પર લોગીન કરવા માટે મોબાઈલ નંબર જરૂરી છે. એક મોબાઈલ નંબર વડે વધુમાં વધુ 4 લોકો ઘરે બેસીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.
ADVERTISEMENT