Cyclone Michaung: દેશના દક્ષિણ રાજ્ય તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં શક્તિશાળી વાવાઝોડું ‘મિચૌંગ’ તબાહી મચાવી રહ્યું છે. ચેન્નાઈમાં ભયંકર તોફાન અને ભારે વરસાદને કારણે 5 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ અનેક ફ્લાઈટ્સ અને ટ્રેન રદ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને તમામ સંભવ મદદની ખાતરી આપી છે. મિચૌંગ વાવાઝોડું પૂર્વ કિનારાની નજીક પહોંચતા ભારે વરસાદને કારણે ચેન્નાઈમાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. મળતી માહિતી મુજબ, વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું આજે મંગળવારે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે.
ADVERTISEMENT
8 જિલ્લાઓમાં એલર્ટ જાહેર
ચક્રવાતી તોફાનના આજે બાપટલા કિનારે પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે આંધ્રપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 8 જિલ્લાઓ – તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનસીમા અને કાકીનાડા માટે એલર્ટ જાહેર કર્યું છે.
મુખ્યમંત્રીએ અધિકારીઓને આપ્યા આદેશ
સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને જાનમાલના નુકસાનથી બચવા માટે તોફાનને એક મોટા પડકાર તરીકે લેવાનો નિર્દેશ આપ્યો, કારણ કે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આશંકા છે. તેમણે જણાવ્યું કે, ચક્રવાતથી પ્રભાવિત તમામ જિલ્લાઓ માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, બચાવ અને રાહત કામગીરી માટે રૂ. 2 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિશેષ અધિકારીઓ કલેક્ટર સાથે સંકલનમાં રહીને કામ કરશે અને જો વધુ ભંડોળની જરૂર પડશે તો સરકાર તેની વ્યવસ્થા કરશે. મુખ્યમંત્રી રેડ્ડીએ જણાવ્યું કે, જો કોઈપણ વિસ્તારમાં નાગરિક સુવિધાઓ પર પ્રતિકૂળ અસર થાય છે, તો અધિકારીઓએ તેને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવી જોઈએ. મુખ્યમંત્રી કાર્યાલયના એક નિવેદન અનુસાર, શક્તિશાળી ચક્રવાતી તોફાન મંગળવારે બપોરના સુમારે બાપટલા પહોંચવાની ધારણા છે, જેમાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
તિરુપતિ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ રદ કરાઈ
તિરુપતિ એરપોર્ટના ડાયરેક્ટર કેએમ બસવરાજુએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે સોમવારે તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. અવિરત વરસાદને કારણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ભક્તો માટે શ્રી કપિલતીર્થમ ધોધ પર પવિત્ર સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
ADVERTISEMENT