Cyber Fraud New Cases: સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં લોકો છેતરપિંડીનો શિકાર બને છે. સાયબર અપરાધીઓ દરરોજ અવનવી તરકીબો અપનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે તમારી નાની એવી એક ભૂલ તમારા બેંક ખાતાને ખાલી કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે આવી છેતરપિંડીથી સાવચેત રહેવું જોઈએ. અત્યાર ઘણા પ્રકારના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે. ત્યારે સાયબર ફ્રોડનો વધુ એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાયબર ઠગે ખૂબ જ ચાલાકીથી યુવકને 3 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. જેમાં પહેલા યુવક સાથે ઓનલાઈન ફ્રેન્ડશીપ કરી અને પછી 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
ADVERTISEMENT
યુવક બન્યો સાયબર ફ્રોડનો શિકાર
વાસ્તવમાં, યુવકને ઈન્સ્ટાગ્રામ પર એક યુવતીના એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી.આ પછી સ્કેમનો આ મામલો આગળ વધ્યો અને બાદમાં યુવક પર યુવતીની હત્યા કરવાનો આરોપ લાગ્યો અને પછી તેની સાથે 3,13,000 રૂપિયાની છેતકરપિંડી આચરવામાં આવી. સાયબર ક્રાઈમની ટીમે આરોપીની ધરપકડ કરી છે.
ઈન્સ્ટાગ્રામ પર આવી હતી રિક્વેસ્ટ
કમલ નામના યુવકે ફરીદાબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોતાની સાથે બનેલી ઘટનાની જાણકારી આપી. ફરિયાદ અનુસાર, 22 સપ્ટેમ્બરે કમલના ઈન્સ્ટાગ્રામ પર અંજલી નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. આ પછી તેણે યુવતી સાથે ચેટ કરવાનું શરૂ કર્યું. લગભગ 5-7 દિવસ સુધી ચેટિંગ કર્યા બાદ યુવતીએ મળવાની વાત કહીને અને કહ્યું કે તે હોસ્ટેલમાં રહે છે.
જે બાદ યુવતીએ કમલનો નંબર માંગ્યો અને કમલને મળવા માટે બદરપુર બોર્ડર પર બોલાવ્યો. ઘણી રાહ જોયા બાદ પણ યુવતી ત્યાં ન પહોંચી. આ પછી જ્યારે કમલે ફોન કર્યો તો યુવતીએ કહ્યું કે તે પાછી જઈ રહી છે અને આજે તેને મળી શકશે નહીં. આ પછી કમલ પણ પોતાના ઘરે પરત ફર્યો.
પછી શરૂ થયો અસલી ફ્રોડનો ખેલ
એ જ દિવસે સાંજે કમલને એક ફોન આવ્યો. જેમાં સામેની વ્યક્તિએ જણાવ્યું કે તે અંજલીના હોસ્ટેલ ઈન્ચાર્જ બોલી રહ્યો છે. અંજલી હોસ્ટેલમાંથી ભાગીને તને મળવા આવી હતી. તેનું મર્ડર થઈ ગયું છે અને અંજલીનું મર્ડર તે જ કર્યું છે. તેણે આ હત્યા વિશે કોઈને ન કહેવા માટે કમલ પાસેથી 20,000 રૂપિયા માંગ્યા.
કમલ ડરી ગયો હોવાથી તેણે પેટીએમથી 15 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. જે બાદ 22 સપ્ટેમ્બરે ફરી કમલને એક ફોન આવ્યો અને સામેની વ્યક્તિએ પોતાની ઓળખ ડીએસપીની આપી. તેણે પણ અંજલીનું મર્ડર થયું હોવાનું જણાવીને 1 લાખ રૂપિયાની માંગ કરી. જે બાદ કમલ ડરી ગયો અને ઈન્સ્ટાગ્રામ આઈડી બંધ કરી દીધી.
આવવા લાગ્યા ધમકીભર્યા ફોન
આ પછી એક પછી એક ધમકીભર્યા ફોન આવતા રહ્યા અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આવવા લાગી. જે બાદ આરોપીઓએ એચડીએફસી બેંકનો એકાઉન્ટ નંબર મોકલીને પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. ડરના કારણે કમલે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા પૈસા મોકલ્યા હતા. સતત ફોન કોલના કારણે કમલને શંકા ગઈ કે તેની સાથે સાયબર ફ્રોડ થઈ રહ્યો છે.
પોલીસે ઠગને ઝડપી પાડ્યો
જે બાદ તે સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી. કમલની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ ચલાવીને આરોપીની ગૌતમ બુદ્ધ નગરમાંથી ધરપકડ કરવામાં આવી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે કમલ સાથે ઈન્સ્ટાગ્રામ પર આ ઠગ જ અંજલી બનીને વાત કરતો હતો અને તેણે જ કમલ પાસેથી 3 લાખ રૂપિયા પડાવી લીધા.
ADVERTISEMENT