Worm in Dairy Milk: જાણીતી ચોકલેટ કંપની કેડબરી ડેરી મિલ્કની ચોકલેટમાં ફરી એક જીવાંત મળી આવી છે. હૈદરાબાદના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર કેડબરી ચોકલેટમાં જીવતી ઈયળનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિએ હાથમાં ચોકલેટ પકડેલી છે. પેકેટ ખોલતાની સાથે જ ચોકલેટની પાછળ એક ઈયળ દેખાય છે. આ વ્યક્તિએ શહેરના એક મેટ્રો સ્ટેશન પરથી આ ચોકલેટ ખરીદી હતી. આ વ્યક્તિનું નામ રોબિન જાન્ચિયસ છે. રોબિને આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
ADVERTISEMENT
કેડબરી ચોકલેટમાં જીવાંત નીકળી
વીડિયો શેર કરતી વખતે રોબિન જાન્ચિયસે લખ્યું છે કે, રત્નદીપ મેટ્રો અમીરપેટથી ખરીદેલી કેડબરી ચોકલેટમાં જીવાંત ચાલતી જોવા મળી છે. શું આ ઉત્પાદનો પર કોઈ ગુણવત્તા તપાસ છે? આના કારણે આરોગ્યને થતા જોખમો માટે જવાબદાર કોણ? રોબિને આ ચોકલેટ માટે 45 રૂપિયા ચૂકવ્યા હતા. રોબિન જાન્ચિયસે 9 ફેબ્રુઆરી એટલે કે ગયા શુક્રવારે આ પોસ્ટ શેર કરી હતી. જે બાદ તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
કંપનીએ યુવકના વીડિયો પર શું કહ્યું?
આ પોસ્ટનો જવાબ આપતા, કેડબરી ડેરી મિલ્કે લખ્યું છે કે મોન્ડેલેઝ ઈન્ડિયા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ શ્રેષ્ઠ ગુણવત્તાના ધોરણો જાળવવાનો પ્રયત્ન કરે છે. અમે શ્રેષ્ઠ ગુણવત્તાના ધોરણો જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તમને આ ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો તે સાંભળીને અમને અફસોસ થાય છે. તમારી ચિંતાઓ ઉકેલવા માટે અમારી સાથે વાત કરો.
લોકોએ કંપની પર ઉઠાવ્યા સવાલ
વીડિયો જોયા બાદ લોકો કેડબરી પ્રોડક્ટ્સની ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓ કડક કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. એક વ્યક્તિએ કંપની સામે દાવો માંડવાની અને વળતરની માંગ કરવાની સલાહ આપી. કેટલાક લોકોએ કેડબરીને ફરિયાદ કરી અને સેમ્પલ ટેસ્ટ કરવા કહ્યું. અન્ય યુઝરે વકીલની સલાહ લઈને કાનૂની કાર્યવાહી કરવાની સલાહ આપી.
ADVERTISEMENT