Covid 19: શું ફરી ખતરનાક રૂપમાં પરત ફરી રહ્યો છે કોરોના? આ દેશમાં નોંધાયા 56 હજાર કેસ, લોકોને માસ્ક પહેરવાની અપીલ

Covid 19: કોરોના મહામારી ફરી એકવાર ડરાવી રહી છે. વાસ્તવમાં, સિંગાપોરમાં કોરોનાના કેસ વધીને 56 હજારને વટાવી ગયા છે. જણાવી દઈએ કે, આ આંકડા છેલ્લા…

gujarattak
follow google news

Covid 19: કોરોના મહામારી ફરી એકવાર ડરાવી રહી છે. વાસ્તવમાં, સિંગાપોરમાં કોરોનાના કેસ વધીને 56 હજારને વટાવી ગયા છે. જણાવી દઈએ કે, આ આંકડા છેલ્લા એક અઠવાડિયાના છે. તેના પહેલાના અઠવાડિયે આ આંકડો 32 હજાર હતો. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં એક છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસમાં 75 ટકાનો વધારો થયો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે 19 ડિસેમ્બરથી દરરોજ કોરોના અપડેટ્સ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

લોકોને માસ્ક પહેરવાની સલાહ

સિંગાપોર સરકારે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપી છે. જો લોકો બીમાર ન હોય તો પણ તેમને માસ્ક પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વૃદ્ધ લોકો સાથે રહેતા લોકોને ઘરની અંદર પણ માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ટૂંક સમયમાં સિંગાપોર એક્સ્પો હોલ નંબર 10માં કોવિડ દર્દીઓ માટે બેડ સ્થાપિત કરવામાં આવશે. ક્રોફર્ડ હોસ્પિટલ પહેલેથી જ કોવિડ દર્દીઓની સારવાર કરી રહી છે.

કોરોનાના આ વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે દર્દીઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગાપોરમાં કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા દરરોજ સરેરાશ 225-350 છે. જ્યારે સંક્રમણને કારણે ICUમાં દાખલ દર્દીઓની સંખ્યા દૈનિક સરેરાશ 4-9 છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગના સંક્રમિત દર્દીઓ કોરોના વેરિઅન્ટ JN.1થી સંક્રમિત છે, જે BA.2.86થી સંબંધિત છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વેરિઅન્ટ અત્યંત સંક્રમિત નથી.

ભારતમાં પણ વધ્યા કોરોનાના કેસ

ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. જોકે, અત્યારે ચિંતા કરવા જેવું કંઈ નથી. શુક્રવારે દેશમાં કોરોનાના 312 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 280 માત્ર કેરળમાં નોંધાયા છે. આ ઉપરાંત જે દર્દીઓને ચેપ લાગ્યો છે, તેમના લક્ષણો પણ બહુ ગંભીર નથી. સરકારી આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 17605 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

    follow whatsapp