Covid 19 Cases: હવે સાચવવું પડશે, દેશમાં કોરોનાએ પકડી સ્પીડ; એક્ટિવ કેસ વધીને 2997 થયા

Covid 19 Cases: દેશમાં કોરોના સંક્રમણ સ્પીડ પકડી રહ્યું છે. શુક્રવારે દેશમાં કોરોનાના 640 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં કુલ એક્ટિવ કોરોના દર્દીઓની…

gujarattak
follow google news

Covid 19 Cases: દેશમાં કોરોના સંક્રમણ સ્પીડ પકડી રહ્યું છે. શુક્રવારે દેશમાં કોરોનાના 640 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં કુલ એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 2997 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે. કેરળમાં કોરોનાને કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને પંજાબમાં એક વ્યક્તિનું કોરોના સંક્રમણને કારણે મોત થયું હતું. દેશમાં સંક્રમણ દર હાલમાં 1.19 ટકા છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં 265 કેસ નોંધાયા

જણાવી દઈએ કે, ગુરુવારે દેશભરમાં કોરોનાના 358 નવા કેસ નોંધાયા હતા. તેમાંથી 300 કેસ તો એકલા કેરળ રાજ્યમાં મળી આવ્યા હતા. ગુરુવારે દેશભરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 2669 હતા, જે શુક્રવારે વધીને 2997 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 265 નવા કેસ નોંધાયા છે.

આ રાજ્યોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 નવા કેસ નોંધાયા છે, જેના પછી રાજ્યમાં કુલ એક્ટિવ કેસ વધીને 53 થઈ ગયા છે. ગુજરાતમાં 32, ગોવામાં 16, તમિલનાડુમાં 104, તેલંગાણામાં 19 કોરોનાના એક્ટિવ કેસ છે. જોકે, રાજ્ય સરકારોનું કહેવું છે કે, ગભરાવાની જરૂર નથી અને સ્વાસ્થ્ય સેવાઓ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. જો કે, લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે બીમારીના લક્ષણો દેખાય કે તરત ડૉક્ટરની સલાહ જરૂર લો.

જાણો દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 4,50,07,212 પર પહોંચી ગઈ છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 5,33,328 છે. આ આંકડો શુક્રવારે સવારે 8 વાગ્યા સુધીનો છે. કોરોનાને હરાવીને સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 4,44,70,887 છે અને રિકવરી રેટ 98.81 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

    follow whatsapp