Trending Video : હમણાંથી રીલ બનાવવા અને ફોટોશૂટ માટે લોકો ઘેલા થઈ રહ્યા છે. લાઈક અને ફોલોઅર્સ વધારવાના પ્રયાસમાં લોકો રીલ બનાવવા માટે જોખમી સ્થળોએ જાય છે. ક્યારેક લોકો ખાડાઓ પાસે તો ક્યારેક રેલવે ટ્રેક પર પણ રીલ બનાવતા જોવા મળે છે. આવી રીલ્સ બનાવવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે હાલમાં જ એક છોકરી રીલ બનાવતા સમયે તેની કાર સાથે ખાડામાં પડી હતી. ત્યારે હવે રીલ બનાવવા સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાતા દ્રશ્યોએ સૌના હોશ ઉડાવી દીધા છે. આ જોયા પછી, નેટીઝન્સ પણ રિએક્શન આપી રહ્યા છે.
ADVERTISEMENT
રીલ બનાવવી ભારે પડી
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં તમે એક કપલને રેલ્વે બ્રિજ પર ચડતા જોઈ શકો છો. દંપતીએ સ્થળ સુરક્ષિત લાગ્યું અને ફોટોશૂટ કરવાનું અને રીલ બનાવવાનું શરૂ કર્યું. પરંતુ પછી અચાનક ટ્રેન પાટા પર આવી ગઈ અને કપલને તેના વિશે કોઈ ખ્યાલ ન આવ્યો. બીજી તરફ બ્રિજથી દૂર ઉભેલા કેટલાક લોકો તેમને ટ્રેન વિશે ફોન કરી રહ્યા છે. ટ્રેનને જોતા જ કપલ ગભરાઈ ગયું. ગભરાઈને ટ્રેનની ઝપેટમાં આવવાથી બચવા માટે બંનેએ અંદાજિત 90 ફૂટ ઉંચા પુલ પરથી છલાંગ લગાવી દીધી. કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યએ સૌને ચોંકાવી દીધા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો રાજસ્થાનના પાલીનો છે. રાહુલ મેવાડા પોતાની પત્ની જાન્હવી સાથે પાલી જિલ્લાના હેરિટેજ બ્રિજ પર ફોટોશૂટ કરી રહ્યા હતા. ત્યારે પાછળથી એક ટ્રેન આવી ગઈ અને બંનેએ છલાંગ લગાવી દીધી. જોકે સદનસીબે બંને બચી ગયા છે પરંતુ આ દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમની સારવાર ચાલુ છે. પત્નીની બાંગડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, તો પતિને જોધપુર રિફર કરાયો છે.
દ્રશ્યો તમને હચમચાવી નાખશે
આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રીલ બનાવતી વખતે બેદરકારી રાખવી કેટલી ગંભીર સાબિત થઈ શકે છે. આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થવા લાગ્યો છે. થોડીક સેકન્ડના આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. હંમેશની જેમ આના પર પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
ADVERTISEMENT